પોરબંદર : ભારત સરકાર દ્વારા અગ્નિવીર યોજના બહાર પાડવામાં આવી છે. આ અગ્નિવીર યોજના થકી અનેક યુવાનો સુરક્ષા દળોમાં જોડાઈ રહ્યા છે. ત્યારે બાળપણથી એરફોર્સમાં જોડાવાની ઈચ્છા ધરાવનાર પોરબંદરની મહેશ્વરીબા ભગીરથસિંહ જાડેજાએ પૂરી મહેનત અને લગન સાથે પોતાનું સપનું સાકાર કર્યું છે.
પોરબંદરની પ્રથમ યુવતી : મહેશ્વરીબા પોરબંદરની પહેલી યુવતી છે કે જે અગ્નિવીર યોજના અંતર્ગત એરફોર્સમાં પસંદગી પામી છે. ભારતભરમાંથી કુલ 300 યુવતીઓ એરફોર્સ માટે પસંદગી પામી છે જેમાંથી મહેશ્વરીબાનો રેન્ક 153મો છે.
પરીક્ષા અંગે સોશિયલ મીડિયાથી જાણ્યું : કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મહેશ્વરીબાએ જણાવ્યું હતું કે આ પરીક્ષા માટે સોશિયલ મીડિયામાં એક ચેનલમાં ઓનલાઇન વિડીયો જોતી હતી. જેમાં નોટિફિકેશન દ્વારા મને એરફોર્સની અગ્નિવીર પરીક્ષા અંગે ખ્યાલ આવ્યો અને મેં એ ફોર્મ ભર્યું હતું.
મેં 2023માં ગાંધીનગર ખાતે લેખિત પરીક્ષા આપી હતી. જે પાસ થઈ અને ત્યારબાદ જોધપુર રાજસ્થાન ખાતે ગ્રાઉન્ડ એકઝામ આપવાની થઈ હતી. જેથી ફિઝિકલ એક્ઝામ માટે વી આર ગોઠવણીયા કોલેજના સ્પોર્ટ કોચ શાંતિબેન ભૂતિયાએ મને ખૂબ જ પ્રેક્ટિસ કરાવી. તેમની ટ્રેનિંગના લીધે બે અઢી મહિના બાદ મેં ગ્રાઉન્ડ એકઝામ પાસ કરી. ત્યારબાદ ગ્રુપ ડિસ્કશન ઇન્ટરવ્યૂ હતું. જેનો ટોપીક ન્યુક્લિયર એનર્જી હતો એ પણ મેં પાસ કર્યું. ત્યારબાદ ગાઝિયાબાદ ખાતે મેડિકલ કર્યું અને એ પણ પાસ કર્યુ. હાલ એરફોર્સ દ્વારા મને ફાઇનલ કોલ લેટર આવ્યો છે અને ચેન્નઈ તાંબારામ ખાતે ટ્રેનિંગમાં જવાનું છે. આ લેટર આવતાં જ મને ખૂબ જ ખુશી થઈ છે...મહેશ્વરીબા ભગીરથસિંહ જાડેજા (તાલીમી એરફોર્સ કેન્ડિડેટ)
ભવિષ્યનું ધ્યેય : મહેશ્વરીબા જાડેજાએ જણાવ્યું હતું કે તેમના પિતા પ્રાઇવેટ જોબ કરે છે અને પરિવારમાં અત્યાર સુધી કોઈ એરફોર્સમાં નથી જોડાયેલા. એરફોર્સમાં જોડાવું એ મારું સપનું હતું. હવે આગળ જઈ અગ્નિવીરમાં 25 ટકા પરમેનન્ટ થઈ દેશની સેવા કરવાનું ભવિષ્યનું ગોલ છે. અનેક યુવતીઓ તૈયારી કરતી હોય છે જેઓ કરન્ટ અફેર્સ રિઝનિંગ અને મેથ્સમાં પૂરતી તૈયારી કરે. તેઓને મારો સંદેશો છે કે આ અગ્નિવીર યોજાનામાં નોકરી માત્ર ચાર વર્ષ પૂરતી છે તેમ નેગેટિવ ન જોઈ પોઝિટિવ લઈ જીવનમાં આગળ વધે.