સામાન્ય રીતે ગંદુ પાણી પીવાને બદલે હંમેશા સ્વચ્છ અને મિનરલ વોટર ખરીદવાનો લોકો આગ્રહ રાખતા હોય છે અને મિનરલ વોટરથી શરીર સ્વસ્થ રહે તેઓ માનતા હોય છે. પરંતુ પોરબંદરના બગવદર ગામે એક દુકાનમાંથી મિનરલ વોટરની bluestone કંપનીની એક સીલબંધ બોટલમાંથી ગુટખાનું એક પાઉચ મળી આવતા લોકો પણ દંગ રહી ગયા હતા, અને કંપની દ્વારા કોઇ તકેદારી રાખવામાં આવતી નથી તેવું સ્પષ્ટ પણે જણાઇ રહ્યું છે.
તો સરકાર દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવતી ન હોય અને તપાસ થતી ન હોય તે આ કિસ્સા પરથી પુરવાર થઈ રહ્યું છે. પાણીજન્ય રોગોથી બચવા અને આ રોગ ફેલાતો અટકાવવા માટે સરકાર ઘણી મસમોટી જાહેરાતો કરે છે પણ મિનરલ વોટર વહેંચતી ખાનગી કંપનીઓની બોટલોની ચકાસણી યોગ્ય રીતે કરવામાં આવતી નથી તે અહીં સાબિત થાય છે અને મોટા પાયે આ રીતે લોકોના સ્વાસ્થ્ય પર ખતરો મંડરાઇ રહ્યો છે.
આ બાબતને લઈને બગવદર ગામના લોકોએ પણ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જ ખોરાક અને પાણીની તકેદારી રાખવામાં આવે અને કડક કાયદાકીય પગલા લેવામાં આવે તો સરકારે મોટી હોસ્પિટલ બનાવાની જરૂરયાત જ ન રહે. કારણ કે, મોટાભાગના લોકો ફૂડ અને પાણીજન્ય રોગોના લીધે બીમારીના ખાટલે પડે છે. ત્યારે અનેકવાર આવા કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ આવી કંપનીઓ સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.