પોરબંદર: પોરબંદરના બરડા ડુંગરમાં બનેલી ટ્રિપલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલતા જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા મીડિયાને આ હત્યાઓ પાછળ ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાનો જ હાથ હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ ગુનાની કબૂલાત પણ કરી લીધી છે.
પોરબંદરના બરડા ડુંગરમાં ગત શનિવારે સગર્ભા મહિલા ફોરેસ્ટ ગાર્ડ હેતલ સોલંકી, તેમના પતિ કિર્તી સોલંકી તેમજ રાતડી પે સેન્ટર શાળાના શિક્ષક અને ફોરેસ્ટ વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતા નાગાભાઈ ભુરાભાઈ આગઠ ત્રણેય પોરબંદરના બરડા ડુંગરમાં બપોર બારેક વાગ્યાના સમયે ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા પેટ્રોલિંગ માટે ગયા હતા. પરંતુ તેઓ પરત ન ફરતા ગુમ થયા હોવાનું જાહેર થયું હતું. આથી SOG, LCB સહિત સ્ટાફ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ શોધખોળમાં ફોરેસ્ટના અન્ય કર્મચારીઓ પણ હતા તેમજ આરોપી વન કર્મચારી લખમણ દેવશી ઓડેદરા જે વિસાવાડા બીટ પોરબંદરમાં ફરજ બજાવતો હતો તે પણ તેમની સાથે જોડાયો હતો.
આરોપી લખમણ દેવશી ઓડેદરા તથા હેતલ બન્ને અગાઉ વર્ષ 2017માં સાથે નોકરી કરતા હતા. જેને લઇને બંને વચ્ચે મૈત્રીસંબંધ બંધાયો હતો. લખમણ ઓડેદરા તરફથી આ મિત્રતાને વધુ ગાઢ બનાવવા વારંવાર માગણી કરવામાં આવી હતી જેની જાણ લખમણ ઓડેદરાની પત્ની મંજુબેનને થતા છેલ્લા બે વર્ષથી મંજુબેન અને લખમણ વચ્ચે આ બાબતે અવારનવાર બોલાચાલી થતી હતી અને ઘરમાં કંકાસ થતો હતો. ઘણીવાર મંજુબેન અને હેતલબેન વચ્ચે પણ આ બાબતે બોલાચાલી થતી હતી. તેમજ હેતલબેન દ્વારા પણ આરોપીના પત્ની મંજુબેનને ધાક-ધમકી આપવામાં આવતા આ વાતની અદાવત રાખી આરોપીએ હત્યાની યોજના બનાવી હતી.
હેતલના પિતાએ આ અંગે લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુમ થયા પહેલા હેતલબેને તેના માતા જમનાબેન સાથે મોબાઈલ પર વાત કરી હતી તે સમયે તે કારમાં હતી અને તેણે કહ્યું હતું કે, લખમણ પણ તેમની સાથે છે. આમ, તે દિવસે લખમણ પણ તેમની સાથે હોવાની કડીને આધારે તેમજ હેતલબેનના પરિજનોએ પણ પોલીસને લખમણ પર શંકા હોવાની વિગતો જણાવતા પોલીસે તેની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેણે ગુનો કબૂલી લીધો હતો.
આમ લખમણે ત્રણેયને ભઠ્ઠી તોડવાને બહાને બોલાવી વારાફરતી તેમના માથા પર લાકડાના ગેડીયા ફટકારી તેમની હત્યા નીપજાવી હતી. તેમજ પોતે નિર્દોષ હોય તેવો ઢોંગ કરી પોલીસ અને વનકર્મીઓ સાથે શોધખોળમાં જોડાઈ ગયો હતો.
મૂળ કોટડા ગામનો લખમણ દેવશી ઓડેદરા સ્વભાવે પહેલાથી જ ગુસ્સાવાળો અને ઉગ્ર હતો. મરણ પામનાર ગર્ભવતી મહિલા ફોરેસ્ટ ગાર્ડ હેતલ સોલંકીને છ માસનો ગર્ભ હતો તેમજ આવનાર દસ દિવસ બાદ તેના સીમંત મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું હતું. તેની હત્યાની વાત સાંભળતા જ તેના પરિજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમના પતિ કીર્તિભાઈ સોલંકી પણ એક કર્મનિષ્ઠ શિક્ષક અને સરળ સ્વભાવના હતા.
આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં નિર્દોષ પ્રકૃતિ પ્રેમી અને સેવાભાવી યુવાન નાગાજણભાઇ આગઠનો પણ ભોગ લેવાયો જેમના પરિવારમાં એક માતા સિવાય બીજુ કોઇ ન હતું. તેઓ હંમેશા પશુપક્ષીઓની સેવામાં દિવસ રાત ખડે પગે રહેતા. પોરબંદરના તમામ લોકોએ આ ઘટનાને પગલે શોક વ્યક્ત કર્યો હતો.