પોરબંદર : શહેરમાં પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં આવેલી દૂધની ડેરીઓ ફરસાણની દુકાનો, ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા લારીવાળા, રેસ્ટોરન્ટ તેમજ હોટેલમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કેટલીક દુકાનોમાંથી એક્સપાયરી ડેટની ચીજ વસ્તુઓ મળતા નાશ કરવામાં આવ્યો હતો. મુખ્ય બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના ફૂડ વિભાગમાં કોઈ ફૂડ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે નગરપાલિકામાં ફરીથી ફૂડ વિભાગના અધિકારી વિજય ઠકરારને ફરજ લેવામાં આવતા. પોરબંદરમાં અલગ અલગ સ્થળોએ ફૂડ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી.
ગેરરીતિ હોય તેવા સ્થળો પર દરોડા પાડી દંડ કરવામાં આવે છે અને તમામ ખાણી પીણીના ધંધાર્થીઓ જો ફરીથી કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે. - વિજય ઠકરાર (ફૂડ વિભાગ અધિકારી)
પોરબંદરની રેસ્ટોરન્ટમાંથી દંડ વસુલાયો : પોરબંદરમાં આજે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા હોટેલ રેસ્ટોરાં અને ફરસાણ વિક્રેતાઓ પાસે જઈ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં શહેરમાં ખાદ્યપદાર્થોના વેચાણ કરતા તમામ ધંધાર્થીઓ લારીઓ, દૂધની ડેરીઓ, પ્રોવિઝન સ્ટોર, મીઠાઈ ફરસાણની દુકાનો, નાસ્તા ગૃહ રેસ્ટોરન્ટ તેમજ શાકભાજી ફળોનું ચેકિંગ કરાયું હતું. જેમાં કડીયા પ્લોટમાં આવેલા ડે ટુ ડે જનરલ સ્ટોર 1000નો દંડ, મીઠાઈ પાસે બેસ્ટ બીફોર ડેટ ન દર્શાવતા ભોજેશ્વર પ્લોટની હરિઓમ સ્વીટનર 1000નો દંડ તેમજ ખુલ્લા પદાર્થો રાખવા બદલ કિરણ કરણા લારી વાળાને 1000 નો દંડ ફટકાર્યા છે. આ ઉપરાંત પોરબંદર રિવરફ્રન્ટ સામે આવેલ આશાપુરા રેસ્ટોરન્ટને 5,000 રૂપિયા દંડ તેમજ શિવ સાગર રેસ્ટોરન્ટ 5000નો દંડ ફટકાર્યો હતો. જેમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કર્યો હતો. વેપારીઓ પાસેથી અત્યાર સુધીમાં 50,000 નો દંડ વસૂલવામાં આવ્યો છે.