પોરબંદર : શહેરની ચોપાટી પર આવેલી ગાંધી સ્મૃતિ ભવનમાં જિલ્લા રમતગમત અધિકારી કચેરી છે, જ્યાં તારીખ 21 જૂન 2023ના રોજ સાંજે ચાર કલાકે મનીષાબેન કાનજીભાઈ મંગેરા નામની મહિલા અન્ય બે લોકો સાથે જિલ્લા રમત-ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરાને મળવા ગયા હતા. જેમાં મનીષાબેન દ્વારા એક મહિના પહેલા કરેલ RTIની માહિતી માંગવામાં આવી હતી. તે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા એ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં મનિષાબેન મંગેરા, બીપીનભાઈ ધવલ અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી છે અને મનીષાબેને પણ પ્રવીણાબેન પાંડાવદરા સામે ફરિયાદ નોંધાવી છે.
એક વર્ષ પહેલાં બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 12 એપ્રિલ 2022ના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. અધિકારીઓ દ્વારા કાગળ પર 14 એપ્રિલ 2022 દર્શાવી 20,000 રૂપિયાની ઉચાપત થઈ હોવાનું જણાતા આ બાબતે RTI કરવામાં આવી હતી. જેનો જવાબ અને માહિતી માટે તેઓ જિલ્લા રમત ગમત અધિકારી પાસે ગયા હતા. પ્રવિણાબેન ને ઉગ્ર બોલાચાલી કરી ઝાપટ મારી હતી - મનીષા મંગેરા (RTI કરનાર)
મહિલા અધિકારીનું શું કહેવું છે : જ્યારે આ સમગ્ર બાબતે જિલ્લા રમત ગમત અધિકારી પ્રવીણા પાંડાવદરે જણાવ્યું હતું કે, મનીષાબેન અને તેની સાથે રહેલા બે લોકો જિલ્લા રમતગમત અધિકારીની કચેરી આવ્યા હતા અને માહિતી માંગી હતી, પરંતુ મેં જણાવ્યું હતું કે RTIનો જવાબ આપેલો છે. જેનાથી તમે સંતુષ્ટ ન હોય તો આગળ અપીલમાં જઈ શકો છો, પરંતુ તેઓ એ ઉગ્ર રજૂઆત કરી ગાળા ગાળી કરી અને મારામારી પણ કરી. મેં બચાવ કર્યો, ત્યારે તેઓએ વિડીયો શૂટ કરી વાઈરલ કર્યો છે. હાલ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તેઓએ મનિષાબેન મંગેરા, બીપીનભાઈ ધવલ અને એક અન્ય શખ્સ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવી છે.