પોરબંદરઃ રોકડિયા હનુમાન મંદિર પાછળની સોસાયટીમાં રહતી એક દીકરી સુરુચિ સ્કૂલની પાછળ ગરબીચોકમાં થતા ગરબામાં ભાગ લેવા ગઈ હતી. ગરબામાં ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઈનામમાં એક ઈનામ ઓછું મળતા મામલો બીચક્યો હતો. આ મામલાની ચરમસીમા ત્યારે આવી જ્યારે દીકરીના પિતાનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખવામાં આવી.
સમગ્ર ઘટનાક્રમઃ સુરુચિ સ્કૂલની પાછળ ગરબા મહોત્સવમાં ઈનામ વિતરણનો કાર્યક્રમ હતો. આ ગરબા મહોત્સવમાં કૃપાલી નામક દીકરી ગરબા કરવા ગઈ હતી. તેની માતા તેણીને રાત્રે ઘરે લેવા પહોંચી ત્યારે કૃપાલીએ પોતાની માતાને એક ઈનામ ઓછું મળ્યું હોવાની વાત કરી હતી. તેની માતાએ આયોજકોને ફરિયાદ કરી હતી. આયોજકોએ જે થાય તે કરી લો અને ગરબા સ્થળેથી ચાલ્યા જવાની વાત કહી હતી. માતા અને દીકરી ત્યાંથી ઘરે આવતા રહ્યા હતા. મોડી રાત્રે આ દીકરીના ઘરે કેટલાક સખ્શો બેથી ત્રણ બાઈક પર આવી ચડ્યા. બહાર ખાટલામાં દીકરીના પિતા સરમણભાઈ નાગાજણભાઈ ઓડેદરા બેઠા હતા ત્યારે આ સખ્શોએ માર માર્યો. દીકરીના પિતાનું અપહરણ કરીને લઈ ગયા. આ બનાવની જાણ સરમણભાઈના પત્ની માલીબેને પોતાના જેઠને સમગ્ર ઘટનાની જાણ ફોન દ્વારા કરી હતી. જ્યારે કૃપાલીએ 100 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ માલિબેને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે અપહત્ય સરમણભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સરમણભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પોલીસ કાર્યવાહીઃ ઉદ્યોગનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ કેસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી પોલીસ પુત્ર હોવાનું પણ બહાર આવ્યું છે. મૃતકના પત્નીએ આ સમગ્ર મામલે ઉચ્ચ તપાસની માંગણી કરી છે અને પોલીસ કાર્યવાહીમાં કોઈ કચાશ ન રહી જાય તેવી અરજ પણ એસપી કક્ષાએ કરી છે.
આ નવ આરોપી પૈકી એક પ્રતિક ગોરાણિયાના પિતા પહેલા પોલીસ વિભાગમાં નોકરી કરતા હતા. આ કિસ્સામાં પોલીસ તપાસ કરવામાં કોઈ કચાશ ન રાખે અને તમામ આરોપીઓને વહેલી તકે સજા થાય તે માટે હું એસ પી સાહેબને વિનંતીકરુ છું...માલિબેન ઓડેદરા(મૃતકના પત્ની)