વડોદરા : યુવાનોમાં વિદેશમાં જવાની હોડ લાગી છે ત્યારે અનેક યુવાનો વિદેશ જવાના ચક્કરમાં છેતરપિંડીનો ભોગ બને છે અને રૂપિયા ગુમાવે છે. પોરબંદરના અનેક યુવાનો આ ચૂંગાલમાં ફસાયા હતાં. જેની ફરિયાદ પોલીસને મળતા પોલીસે તપાસ કરી હતી. જેમાં ત્રણ શખ્સોને પકડી 17 લાખ જેટલી રકમ તથા 27 ભારતીય પાસપોર્ટ રિકવર કર્યા છે.
ઓરિજિનલ પાસપોર્ટ લઇ લીધાં : પોરબંદર અને ભાણવડના 14 જેટલા યુવાનોને સિંગાપુરમાં નોકરી આપવાના બહાને રૂપિયા ખંખેરી નાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોરબંદરના એક યુવાને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં 16 માર્ચ 2022ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે પોરબંદર પોલીસે બોખીરા વિસ્તારમાં રહેતા દેવશી ઉર્ફે દેવ કનૈયાલાલ પરમાર નામના શખ્સે યુવાનોને નોકરીની લાલચ આપવા સાથે રૂપિયા તથા ઓરિજનલ પાસપોર્ટ લઈ લીધા હતાં. તેની સાથે અન્ય બે શખ્સો પણ હતાં જેઓ આ કામગીરીમાં તેને સહકાર આપતાં હતાં.
બાતમીના આધારે ધરપકડ : 17 લાખની છેતરપિંડી આચરી નાણાં પડાલી લેનાર દેવશી ઉર્ફે દેવ કનૈયાલાલ પરમાર 2022 બાદ બે દિવસ પહેલા પોરબંદરના સુદામા ચોક વિસ્તારમાં દેખાયો હોવાની બાતમી પોરબંદર પોલીસને મળી હતી. કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર કે કામબરિયા તથા સ્ટાફે તેને ઝડપી પૂછપરછ હાથ ધરી હતી.
લોકો વિદેશ જવાની હોડમાં ઓછા ખર્ચે અને લોભામણી જાહેરાતોમાં ન લલચાય. તે સાથે જો છેતરપિંડીનો ભોગ બને ત્યારે ક્યાંય પણ કશું શંકાસ્પદ જણાય તો પોલીસનો તરત સમ્પર્ક કરવો... સુરજિત મહેડુ(ડીવાયએસપી)
ઓમ એકેડમીના સંચાલકની સંડોવણી : પોરબંદર કીર્તિમંદિર પોલીસે દેવસીની પૂછપરછ કરતા તેને અન્ય બે શખ્સોના નામ આપ્યા હતાં. જેઓ પણ આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હતાં. આમાં પોરબંદર કમલાબાગ પાસે ઓમ એકેડમી ચલાવતા કેયૂર ભાનુ પ્રતાપ જોશી તથા મુખ્ય સૂત્રધાર અરવલ્લી જિલ્લાના જનાલી ગામનો વિપુલ ચંદુ ચૌધરી હતો.
અરવલ્લીથી પાસપોર્ટ કર્યા રિકવર : પોરબંદર પોલીસની પૂછપરછમાં આ બે શખ્સની સંડોવણી વિશે જાણકારી મળતાં પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતાં. દેવશીએ જેને મુખ્ય સૂત્રધાર જણાવ્યો હતો તે અરવલ્લીના જનાલી ગામે રહેતા વિપુલ ચંદુ ચૌધરીને પકડવા માટે પોરબંદર પોલીસ અરવલ્લી પહોંચી જનાલી ગામથી વિપુલની ધરપકડ કરી હતી. જે બાદ તેની પાસેથી પોરબંદર પોલીસે 27 જેટલા ભારતીય પાસપોર્ટ રિકવર કર્યા હતાં. પોરબંદર પોલીસે અસલી પાસપોર્ટ મેળવવા સંપર્ક સાધવાની અપીલ પણ કરી હતી.