પોરબંદર : પોરબંદરમાં શેરી ગરબીમાં હત્યાનો બનાવ બન્યો હતો. ઘટનાને લઇ તપાસ કરતાં પોરબંદર પોલીસને આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. જેમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચાર આરોપીઓમાંથી એક પોલીસકર્મીનો પુત્ર છે. અન્ય આરોપીઓને પક઼ડવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે.
9 જેટલા શખ્સોએ બાળકીના પિતાની હત્યા કરી : ડીવાયએસપી ઋતુ રાબાએ આપી માહિતી આ ઘટના અંગે જોઇએ તો પોરબંદરમાં ગત તારીખ 24/10/2023 ના રોજ રોકડીયા હનુમાન મંદિર પાસેે યોજાયેલ એક શેરી ગરબાના કાર્યક્રમમાં એક બાળકીને ઇનામમાં એક ઇનામ ઓછું અપાયું હોવાનો મામલો સામે આવ્યો હતો. શેરી ગરબામાં માદીકરીના ઇનામ બાબતે ઝઘડો થતા 9 જેટલા શખ્સોએ બાળકીના પિતાની હત્યા કરી હતી જેમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઇનામનો ઝઘડો : સમગ્ર બાબતે આજે પોરબંદર સિટી ડીવાયએસપી ઋતુ રાબાએ માધ્યમોને વિગતો આપી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે પોરબંદરમાં ગત 23/10/2023 ના રોજ રાત્રિના સમયે હનુમાન રોકડીયા મંદિર પાછળના વિસ્તારમાં એક શેરી ગરબામાં બાળકીને ઇનામ ન મળતા ગરબીના આયોજકો અને સરમણ નાગજણભાઈ ઓડેદરા અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.
ગરબાના આયોજકોએ સરમણના ઘરે જઈ માર માર્યો હતો. આ ઉપરાંત ત્યાંથી તેને ગરબીના સ્થળે લઈ જઈને પણ માર્યો હતો. જેમાં સરમણ ઓડેદરાનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં મોત થયું હતું. જે બાબતે સરમણ ઓડેદરાની પત્નીએ પોલીસ ફરિયાદ કરી હતી. આ સંદર્ભે આજે હત્યામાં સંડોવાયેલ ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી...ઋતુ રાબા (ડીવાયએસપી )
આરોપીઓ કોણ ? : પોલીસે હત્યાના ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે તેમાં રાજા મુરુ કેશવાલા, રાજુ ભીખુ કેશવાલા,રામદે અરશી બોખીરિયા ,પ્રતીક કિશન ગોરાણીયાનો સમાવેશ થાય છે અને અન્ય શખ્સોને પકડવા પોલીસે તજવીજ હાથ ધરવામાં આવી છે.