પોરબંદરઃ નોવેલ કોરોના વાઇરસનાં સંક્રમણને પોરબંદર જિલ્લામાં ફેલાતો અટકાવવા માટે વહિવટીતંત્ર દ્રારા જુદી-જુદી ટીમો બનાવીને તકેદારીના ભાગરૂપે નિયમીત કામ કરવામાં આવે છે. સમગ્ર દેશમાં લૉકડાઉન કરાયેલ છે. જે અંતર્ગત ગરૂવારે જિલ્લા કલેક્ટર ડી.એન.મોદીએ જિલ્લા પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ તથા પ્રાંત અધિકારી કે.વી.બાટી અને સિટી મામલતદાર અર્જુન ચાવડા સહિતના અધિકારીઓ સાથે પોરબંદરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ વિવિધ સ્થળોએ ચકાસણી કરી હતી.
મેડિકલ સ્ટોર તેમજ આવશ્યક ચીજવસ્તુના સ્ટોર પર જરૂરી જથ્થાની ચકાસણી કરી લોકોને નક્કી કરાયેલા સમય પ્રમાણે આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.જ્યાં સોશિયલ ડિસ્ટન્સ માટે જમીન પર માર્કીંગ ન હતા ત્યાં સંબંધિતો પાસે આ કામગીરી કરાવી હતી. વધુમાં પોરબંદર જિલ્લામાં કુલ 10 કવોરન્ટાઇન સ્થળ ખાતે ફેસીલીટી નક્કી કરાઇ છે. હાલ નર્સિંગ કોલેજ, વનાણા ખાતે નવુ કવોરન્ટાઇન સ્થળ નિયત કરાયુ છે.
જિલ્લા કવોરન્ટાઇન ખાતે 58 વ્યક્તિ રખાયા તે પૈકી 53 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કર્યા છે. હોમ કવોરન્ટાઇનમાં 348 વ્યક્તિઓ ચકાસણી હેઠળ રખાયા છે. હોમ કવોરન્ટાઇન રખાયેલી વ્યક્તિઓની ચકાસણી માટે જિલ્લાની વિવિધ ટીમો દ્રારા ડોર ટુ ડોર સર્વે કરી 75928 ઘરોનો સર્વે કરાયો છે.
શંકાસ્પદ વ્યક્તિઓના લીધેલા 14 સેમ્પલ નેગેટીવ તથા એક રીપોર્ટ મળવાનો બાકી છે. આઇસોલેશનમાં એકપણ વ્યક્તિ રખાયેલ નથી. જિલ્લામાં આવેલા જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ પર 21500 વ્યક્તિઓના સ્ક્રિનીંગ ચકાસણી કરાઇ છે.
જાહેર જનતાને આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે અને વિતરણ થાય તે અંગેના મુવમેન્ટની કોઇ ફરિયાદ થાય તો તેના નિવારણ અર્થે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૂમ 0286-2220070 કાર્યરત કરાયા છે. ઉપરાંત મામલતદાર કચેરી પોરબંદર ફોન નં. 0286-220543, રાણાવાવ 02801-230622, કુતિયાણા 02804-261226 તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ કલેકટર કચેરી પોરબંદરના ટોલ ફ્રી નંબર 1077 કાર્યરત છે.
રાજ્યમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ તા.25 માર્ચથી 21 દિવસ સુધી બંધ રહેશે. પોરબંદર જિલ્લાના જુદા જુદા વિસ્તાર માટે એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને ઇન્સીડન્ટ કમાન્ડર તથા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને આસીસ્ટન્ટ ઇન્સીડન્ટ કમાન્ડર તરીકેની ફરજો જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર દ્વારા સોંપવામાં આવેલ છે. તેમ નિવાસી અધિક કલેકટર રાજેશ.એમ.તન્ના દ્રારા જણાવાયુ છે.