પોરબંદર નગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા એજ સેવા' કાર્યક્રમ અંતર્ગત સોમવારે પોરબંદર શહેરમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ મટીરીયલ રિકવરી ફેસિલિટી સેન્ટર બનાવવામાં આવ્યા છે. શહેરના મેમણવાડા, લીમડા ચોકમાં પ્લાસ્ટિક રિકવરી સેન્ટર અને ઓડદર રોડ પર મટીરીયલ રિકવરી ફેસિલિટી સેન્ટર બનાવવામાં આવ્યું છે. જ્યાં લોકો દ્વારા એકત્રિત કરાયેલા કચરો રાખવામાં આવશે અને તેનું વર્ગીકરણ કરી યોગ્ય વળતર આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં પ્લાસ્ટિક હટાવો ઝુંબેશને પણ પ્રાધાન્ય આપે છે અને વળતર મળતું હોવાથી અનેક લોકો આ અભિયાનમાં જોડાયા છે. તદ્ઉપરાંત પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરના પ્લાસ્ટીકના વપરાશ સાથે સંકળાયેલા વેપારીઓ અને નાગરીકો સાથે પણ એક મીટિંગનું આયોજન કરાયું છે. જેમાં કચરો એકઠો કરતા લોકો સાથે મીટીંગ કરી પ્લાસ્ટિક બેગના બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરી પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર આરજે હુદડે જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા પાણીના પાઉચ, પાન મસાલાના રેપર તથા 50 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી તહેવારોમાં પણ આ બાબતને સખત મોનીટરીંગ કરવામાં આવશે ત્યારે રાજકોટના અક્ષય એન્જિનિયરિંગ નામની NGO દ્વારા પ્લાસ્ટિક હટાવો ઝૂંબેશમાં મહત્વનો સહયોગ આપવામાં આવ્યો છે. આ NGO દ્વારા એકત્રિત થયેલો કચરો અન્ય મોટી કંપનીઓને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવશે અને પ્લાસ્ટિક રિકવરી સેન્ટરનું મોનિટરિંગ પણ કરશે. પ્લાસ્ટિક બોટલ અને વેફરના રેપર્સ સહિતની કોથળીઓ આપી જનારને કિલોના હિસાબે વળતર આપી લોકોને આ બાબતે જાગૃત થવા અપીલ કરી હતી.