પોરબંદર : કોરોનાની મહામારીના પગલે આરોગ્ય વિભાગ દ્વારા અનેક તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે, પરંતુ કોરોનાની બીમારી સિવાયની અન્ય બીમારી હોય તે લોકોને ખાસ મા કાર્ડ કઢાવવું હોય, પરંતુ પોરબંદર જિલ્લામાં આવેલી જિલ્લા પંચાયતની કચેરીમા માં કાર્ડની ઓફિસ લોકડાઉન શરૂ થયા બાદ જ બંધ કરવામાં આવી હતી. જો કે, આ કચેરી બંધ થવાનું કારણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન સહિતના નિયમોનું પાલન નથી થતું હોવાને લીધે બંધ કરવામાં આવી હતી.
આ ઉપરાંત મા કાર્ડ કઢાવવા માટે આવકના દાખલાની ખાસ જરૂર પડતી હોય જેમાં પણ તાત્કાલિક નવો ન નીકળતો હોવાની અને કાઉન્ટર સહી વાળો દાખલો માન્ય ન ગણાતો હોવાની વાતો સામે આવી હતી.
આ બાબતે જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી એ.જી.રાઠોડને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આવતીકાલ એટલે કે ગુરુવારથી પોરબંદર જિલ્લા પંચાયતમાં મા કાર્ડની ઓફિસ ખોલવામાં આવશે અને મા કાર્ડ કઢાવવા માટેના લાભાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને નિયમોનું કડક પાલન કરી આ કાર્ડ કઢાવી શકે છે.