પોરબંદરઃ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેના પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે છતાં ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી ફી ઉઘરાવવામાં આવે છે. જેનો ઘણા સમયથી વાલી સંગઠનો વિરોધ કરી રહ્યા છે.
જો કે આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ પગલાં લેવામાં ન આવતા સોમવારના રોજ પોરબંદર NSUI દ્વારા શિક્ષણ અધિકારી કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને તાળા બંધીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. NSUIના કાર્યકર્તાઓ દ્વારા શિક્ષણ અધિકારીને ઉગ્ર રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને શાળા મારી દો તેમ NSUIના આગેવાનોએ જણાવ્યું હતું.
ઘટનાસ્થળે પોલીસ દ્વારા NSUIના 25 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કે.વી. મિયાણીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં બે ખાનગી સ્કૂલોની ફરિયાદ આવી છે. જેમાં સિગ્મા સાયન્સ સ્કૂલ અને સરસ્વતી સાયન્સ સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને ફી પરત કરવાનો આદેશ આપ્યો છે.
જે સ્કૂલોના ઉઘરાણા કરતી હોય તો વાલીઓ લેખિત ફરિયાદ કરી શિક્ષણ વિભાગને જણાવી શકે છે.