પોરબંદર: ગુજરાતના દરિયાકિનારે ઓપરેશનનો પ્રારંભ થયો છે. સાગર સુરક્ષા કવચ અંતર્ગત દરિયા કિનારા પર થતી તમામ એક્ટિવિટી પર નજર રાખવામાં આવી છે. પોરબંદરના 14 જેટલા સંવેદનશીલ પોઇન્ટ પર 200 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને અધિકારીઓ દ્વારા ગતિવિધિઓનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
સાગર સુરક્ષા કવચમાં સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓના અલગ અલગ વિભાગ પાડવામાં આવે છે. જેમાં રેડ ફોર્સ અને બ્લુ ફોર્સ નામ આપવામાં આવે છે. રેડ ફોર્સ દ્વારા શહેરની કોઈપણ સંવેદનશીલ એવી જગ્યાએ હુમલો કરવામાં આવે છે, મોક ડ્રીલ કરવામાં આવે છે અને બ્લુ ફોર્સ દ્વારા આ હુમલાને રોકવામાં આવે છે. પોરબંદરમાં આવેલ દરિયા કિનારા પરની એક ગેસ એજન્સી પર હુમલો કરવામા આવ્યો હતો જેને બ્લુ ફોર્સ દ્વારા રોકવામાં આવ્યો હતો. જેમાં પોરબંદર જિલ્લા પોલીસ સહિતનો સ્ટાફ જોડાયો હતો. - ઋતુ રાબા(ડીવાયએસપી, પોરબંદર)
પોરબંદરનો દરિયાકિનારો અતિ સંવેદનશીલ: પોરબંદરનો દરિયા કિનારો અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂતકાળમાં આ દરિયા કિનારાનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ થયેલ છે. આતંકવાદી કસાબ આ દરિયા કિનારેથી મુંબઈ સુધી પહોંચ્યો હતો. ભૂતકાળમાં આ દરિયા કિનારા પર હથિયારો લેન્ડિંગ પણ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન જળસીમા સાથે જોડાયેલો હોવાથી પોરબંદરના સમુદ્ર કિનારા પર એકાદ વર્ષ પહેલાં પાકિસ્તાનની પોલીથીન પેકેટોમાં ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. આથી પોરબંદરના દરિયાની સુરક્ષા મહત્વની ગણાય છે.
આ પણ વાંચો: