લાઈન ફીશીંગ બંધ કરવા ખારવા સમાજની માંગ કરતો ગુજરાત ખારવા સમાજ
લાઈન ફિશીંગના કારણે અનેક દરિયાઈ જીવોને નુકસાન
નાના મોટા માછીમારોને પણ વ્યવસાયમાં પહોંચે છે નુકસાન
પોરબંદર: ગુજરાત ખારવા સમાજના અધ્યક્ષ સ્થાને એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત માછીમાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.જેમાં માછીમારોના ભવિષ્ય અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ ઉપરાંત દરિયામાં લાઈન ફિશીંગ બંધ કરવાની માંગ ઉઠી હતી .
શું છે લાઈન ફિશીંગ
લાઈન ફિશીંગ એટલે 10 થી 12 બોટોનો સમૂહ સમુદ્રમાં એકસાથે લાઈનમાં ગોઠવાઈ ફિશીંગ જાળ બિછાવી ફિશીંગ કરવા જાય છે. ત્યારે અનેક નાના માછલાં પણ તેમાં આવી જાય છે અને અન્ય માછીમારોને યોગ્ય માછલી નથી મળતી.
લાઈન ફિશિંગ માછીમારી કરતી બોટો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ
છેલ્લા ચાર વર્ષથી માછીમારીના વ્યવસાયમાં ખૂબ જ મંદી ચાલી રહી હોય તેમાંથી માછીમારોને કેવી રીતે ઉગારવા અને માછીમારી પર નભતા સમગ્ર માછીમારોના પરિવાર વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં લાઈન ફીશીંગનો મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો હતો. લાઈન ફીશીંગથી અન્ય બોટને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. માછીમારોનો વ્યવસાય લાંબા સમય સુધી ચાલી શકે અને માછીમારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે લાઈન ફિશિંગ માછીમારી કરતી બોટો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.
આ લાઈન ફિશીંગની રાક્ષસી પદ્ધતિથી માછીમારી બંધ કરવામાં આવે તેઓ આગેવાનો એ માંગ કરી હતી. આ બેઠકમાં ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઇ, ઉપ પ્રમુખ જીતુભાઈ કુહાળા ,અધ્યક્ષ રણછોડ ભાઈ શિયાળ તથા મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.