- ફાયર બ્રિગેડ ઓફિસ પાછળ શરૂ કરાયું તાલુકા જીમ સેન્ટર
- જીમમાં મલ્ટી મશીન સહિત મેદસ્વીતા ઘટાડવાના વિશેષ મશીનની સુવિધાઓ
- મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ લઈ રહ્યા છે લાભ
પોરબંદર: પોરબંદરમાં આવેલી તાલુકા જિમ સેન્ટર શહેરથી 7 કિલોમીટર દૂર સાંદિપની આશ્રમ સામે આવેલા સરદાર પટેલ રમતગમત સંકુલમાં હતું. જેની જગ્યા બદલવા લોક માગ ઊઠી હતી. જેને ધ્યાને લઇને પોરબંદર જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા આ જીમ ઉમ્મીદ સેન્ટરમાં શરૂ કરવામાં આવી છે.
જીમમાં મલ્ટી મશીન સહિત મેદસ્વીતા ઘટાડવાના વિશેષ મશીનની સુવિધાઓ
આ જીમ અંગે જીમના કોચ આશિષ મોરીએ જણાવ્યું હતું કે, શિયાળામાં કસરત કરવી વધુ સારી છે અને ખાસ કરીને મેદસ્વિતા ઘટાડવા અને બોડી ફિટનેસ માટેની જીમિંગ કરવા યુવાનો અહીં આવે છે. આ જીમમાં મલ્ટી મશીન સુવિધા છે. જેમાં એક જ મશીનમાં મિડલ ચેસ્ટ, અપર ચેસ્ટ, સોલ્ડર, સ્ટેપેચી વગેરે એક્સરસાઇઝ થઈ શકે છે.
પેટ ઘટાડવાની કસરતો માટે મશીન ઉપલબ્ધ
મોટા ભાગના યુવાનોમાં વધુ મેદસ્વીતા હોવાના લીધે અહીં પેટ ઘટાડવા માટે રનિંગ માટે 3 ટ્રેડમિલ અને 4 એરોબિકસ સાયકલની સુવિધાઓ તથા વિશેષ એક્સરસાઇઝ કરાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય પ્રાઇવેટ જીમ કરતાં અહીં સામાન્ય ફી લઈને વધુ સુવિધાઓ અપાતા શહેરની મધ્યમાં હોવાથી આ જિમનો લાભ વધુ યુવાનો લે તેવી અપીલ જિલ્લા રમત ગમત અધિકારીએ કરી હતી.