પોરબંદર : તાજેતરમાં જ પેલેસ્ટિનિયન સંગઠન હમાસે ઇઝરાયલ હુમલો શરૂ કર્યો છે. ત્યારથી ગુજરાતના અનેક પરિવારમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ કે અનેક ગુજરાતી લોકો ઇઝરાયલમાં રહીને નોકરી કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, પોરબંદર જિલ્લાના 3000 થી વધુ લોકો ઇઝરાયલમાં રહે છે. તેઓ સતત પોરબંદરમાં રહેતા તેમના પરિવાર સંપર્કમાં છે. ત્યારે ઇઝરાયલમાં રહેતા પોરબંદરના બગવદર ગામના એક મહિલાએ પરિવાર સાથે વાત કરી યુદ્ધની પરિસ્થિતિનો આંખો દેખ્યો હાલ વર્ણવ્યો હતો.
યુદ્ધનો આંખો દેખ્યો હાલ : ઇઝરાયલમાં હમાસે હુમલો કર્યો ત્યારથી સ્થિતિ કપરી બની છે. પોરબંદર જિલ્લાના 3000 થી પણ વધુ લોકો ઇઝરાયલમાં કેર ટેકર તરીકે જોબ કરી રહ્યા છે. જેમાં બીમાર અને વૃધ્ધ વ્યક્તિની સારવાર અને દેખરેખ રાખવાની હોય છે. છેલ્લા 4 વર્ષથી પોરબંદર જિલ્લાના બગવદર ગામના રમાબેન પાંડાવદરા ઇઝરાયલમાં કેર ટેકરની જોબ કરે છે. હાલ તેઓ ઇઝરાયલના રમતગાન વિસ્તારમાં રહે છે. તેઓએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી હમાસ દ્વારા ઇઝરાયલ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ તે સમયે વધુ ગંભીર હતી. સાયરન વાગતાની સાથે તમામ લોકો બંકરમાં જતા રહીએ છે. ત્યાં સેફટી હોય છે.
ઘરમાં જેટલી સામગ્રી હતી તેટલી હવે ખૂટી રહી છે. સાયરન ગમે ત્યારે વાગે અને અફરા તફરી મચી જાય છે. ત્યારે આ યુદ્ધ વહેલી તકે શમી જઈ અને શાંતિ સ્થપાય તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. -- રમાબેન પાંડાવદરા
ઇઝરાયલમાં ફસાયા પોરબંદરના મહિલા : ઇઝરાયલમાં રહેતા રમાબેને જણાવ્યું હતું કે, ઘરમાં જેટલી સામગ્રી હતી તેટલી હવે ખૂટી રહી છે. પ્રોવિઝન સ્ટોર સુધી જીવન જરૂરી વસ્તુ લેવા જઈએ ત્યારે પણ સતત ભય વચ્ચે રહેવું પડે છે. ક્યારે હુમલો થાય તેનું નક્કી હોતું નથી. આથી અત્યારે સાયરન ગમે ત્યારે વાગે અને અફરા તફરી મચી જાય છે. ત્યારે આ યુદ્ધ વહેલી તકે શમી જઈ અને શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના પ્રભુને કરી હતી.
મારા માતા સહિત અનેક પરિવારજનો ઇઝરાયેલમાં રહે છે. યુદ્ધના સમાચાર આવતાની સાથે જ સતત માતા સાથે ફોનથી સંપર્કમાં છે. હાલ ઇઝરાયેલમાં રહેતા તેમના માતા કુશળ હાલતમાં છે. -- સાગર પાંડાવદરા
દીકરાએ કરી માઁની ચિંતા : પોરબંદર જિલ્લાના બગવદરમાં રહેતા સાગર પાંડાવદરાએ જણાવ્યું હતું કે, તેમના માતા સહિત અનેક પરિવારજનો પણ ઇઝરાયેલમાં હાલ રહે છે. સાગર તેના ભાઈ, પિતા અને બહેન સાથે પોરબંદરના બગોદરમાં રહે છે. યુદ્ધના સમાચાર આવતાની સાથે જ સતત માતા સાથે ફોનથી સંપર્કમાં છે અને તેના માતા રમાબેનની ખૂબ જ ચિંતા કરે છે. સાગરે પણ પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અને ઇઝરાયેલ સરકારને પણ વિનંતી કરી હતી કે, વહેલી તકે આ યુદ્ધ પૂર્ણ થાય અને ફરીથી શાંતિ સ્થપાય. હાલ ઇઝરાયેલમાં રહેતા તેમના માતા કુશળ હાલતમાં છે. પરંતુ જોજનો દૂર હોવાથી માં ની ચિંતા તો થાય છે તેમ સાગરે જણાવ્યું હતું.