પોરબંદર: જાપાનના સ્વામી ચેતનાનંદ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થયા હતા અને તેમણે જાપાનના ક્યોટો શહેરમાં આશ્રમ સ્થાપ્યો હતો. સ્વામી ક્યોટો શહેરમાં ભારતીય સંસ્કૃતિના વેદ અને ભાગવત ગીતાના ક્લાસ ચાલવી રહ્યા છે. જેથી તેમની પાસેથી અનેક યુવાનો હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન લેવા જઇ રહ્યા છે.
દર વર્ષે જાપાની યુવાનો પોરબંદરના આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમમાં જ્ઞાન લેવા આવે છે અને જ્ઞાન લેવા આવેલા યુવાનો હિન્દુ સંસ્કૃતિ મુજબના લગ્ન વિધિથી પ્રભાવિત થઈ લગ્ન કરતા જોવા મળે છે. ચાલુ વર્ષે પણ જાપાનના પિતા તોશિયાકિ અને માતા તેરૂયો ઉરનીશીની સુપુત્રી ચિઓરીએ જાપાન સ્થિત પિતા નોબારૂં કુરૂતા અને માતા એકો કુરૂતાના સુપુત્ર કઝુય સાથે ગુરૂવારે પોરબંદરના આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યાં હતા.
કઝુય જાપાનમાં હેર ડિઝાઈનર છે. તેમના લગ્ન બળદ ગાડામાં જાન જોડી ઢોલ અને શરણાઈ સાથે અનોખી રીતે કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પોરબંદરના અનેક લોકો સહિત ઇતિહાસવિદ નરોત્તમ પલાણ તથા ઇન્દોરના ઐશ્વર્યાનંદજી સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ લગ્નમાં દીકરી ચિઓરીનું કન્યાદાન જાણીતા ઉદ્યોગપતિ અને રઘુવંશી સમાજના અગ્રણી પ્રભુદાસ અને તરૂબેન બારાઈએ કર્યું હતું. આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમના સ્થાપક અને સંચાલક સ્વામીની નિગમાં નંદા સરસ્વતી અને નિતકલ્યાણ નંદા સરસ્વતિએ જણાવ્યું હતું કે, આ લગ્ન આજના સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરનારા ભારતીય યુવાનો માટે અનોખો સંદેશો છે. જાપાની લોકો પણ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઇ રહ્યા છે, ત્યારે આપણે પણ આપણી સંસ્કૃતિ અને વારસાનું જતન કરવું જોઈએ.
આ લગ્નવિધિમાં શાસ્ત્રી ભીમભાઈ જોશી, પ્રકાશભાઈ પાઠક અને કાળુંભાઈ જોશીએ 7 ફેરાનું મહત્વ સમજાવ્યું હતું. ધર્મ, અર્થ, કામ, મોક્ષ સહિત 7 ફેરા સાથે સંતોની ઉપસ્થિતીમાં લગ્નવિધિ પૂર્ણ કરવામાં આવી હતી, જ્યારે આ સમગ્ર વિધિ જાપાનીઝ ભાષામાં સ્વામી ચેતનાનંદ સ્વામીએ યુગલોને સમજાવી હતી.