પોરબંદરઃ જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ પાંચ કેસ સામે આવ્યાં હતા. પોરબંદર સિવિલ હોસ્પિટલમાં 7 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 83 સેમ્પલ જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 78 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને પાંચ સેમ્પલ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.
જિલ્લાના પેરેડાઇઝ વિસ્તારમાં કુમકુમ સોસાયટીમાં રહેતા 26 વર્ષના પુરુષ તેમજ રેલવે કોલોનીના 32 વર્ષના પુરુષ અને પોરબંદરના ખત્રીવાડમાં રહેતા 44 વર્ષના પુરુષ તેમજ કડિયા પ્લોટમાં રહેતા 26 વર્ષના પુરુષ, વાઘેશ્વરી પ્લોટમાં રહેતા 70 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામના ઘરના આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, તેમજ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે પરિવારની તપાસ શરૂ કરવામાં આવી છે. દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે પણ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.
કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે સરકારની સુચનાઓનું જિલ્લામાં ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા તંત્ર દ્રારા ગંભીરતાથી વિવિધ કામગીરી કરવામાં આવે છે. જે અનુસંધાને જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યક્તિઓના 4364 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમા 55 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જે પૈકી જિલ્લાના કુલ 30 પોઝિટિવ કેસ નોંધાયેલ છે. અત્યારે જિલ્લાની કોવિડ હોસ્પીટલમાં કોરોનાના 11 એક્ટીવ કેસ છે. તમામને હોસ્પીટલનાં સ્ટાફ દ્રારા જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.
કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર ખુબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. વિવિધ શહેરોમાથી આવતા લોકો સ્વૈચ્છાએ પોતાને હોમ કોરોન્ટાઇન કરે છે, તેમજ સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ બહારથી આવતા લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.
જિલ્લામાં અત્યાર સુધી 15 હજારથી વધુ વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇનમાં હતા. જે પૈકી 12,969થી વધુ વ્યક્તિઓનું હોમ કવોરેન્ટાઇન પુર્ણ થયુ છે. આ ઉપરાંત પોઝિટિવ કેસના રહેણાંક નજીકના 225 રહેણાંકોમા 693 વ્યક્તિઓ કન્ટેઇમેન્ટ ઝોનમાં ચકાસણી હેઠળ છે. જિલ્લામાં કોવિડ-19નાં સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે બહારથી આવતા પ્રવાસીઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 5760 વ્યક્તિઓને જિલ્લામાં અલગ અલગ સ્થળે તેમજ પ્રાઇવેટ હોટલોમાં કોરોન્ટાઇન કરાયા હતાં. જે પૈકી 5685 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરાયા છે, તેમજ 75 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન છે. પોરબંદરની વી.આર.ગોઢાણીયા ગલ્સ હોસ્ટેલ, જિલ્લા ખેડૂત તાલીમ ભવન (એ.ટી.એમ.એ.), મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય અને વનાના એ.એન.એમ. ટ્રેનિંગ સ્કૂલ ખાતે જિલ્લા ક્વોરેન્ટાઈન તરીકે કાર્યરત છે.