- પોરબંદરમાં સમાજ સુરક્ષા વિભાગે બાળ લગ્ન અટકાવ્યા
- બાળ લગ્ન કરવા એ કાયદાની વિરુદ્ધ
- બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ સગીરાના માતાપિતાને સમજાવ્યા
પોરબંદર : જિલ્લામાં એક ગામે 17 વર્ષથી નીચેની સગીરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ સગીરા અને તેના માતા-પિતાને સમજાવવામાં આવ્યા હતા કે, આ પ્રકારના લગ્ન કરવા એ કાયદાની વિરુદ્ધ છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે તેમ છે. પોરબંદરના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીના સમજાવ્યા બાદ સગીરાના માતાપિતા માની ગયા હતા. તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું. જ્યારે યુવતીની ઉંમર 18 વર્ષ થઈ જાય ત્યારબાદ જ લગ્ન કરશે, તેમ વડીલોએ સમાજ સુરક્ષા અધિકારીને જણાવ્યું હતું. આમ પોરબંદર સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
બાળ લગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરુદ્ધ
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ જોઇએ તો સગીર વયના યુવક/યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક/યુવતી સહિત તેમના માતાપિતા કે, વાલી, મદદગારી કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ/બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વિગેરે તમામને, આ કાયદાકીય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર 2 વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા 1 લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.