- પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દુર કરાયા
- વહીવટી તંત્ર દ્વારા દબાણો દુર કરવાની કરાઈ કામગીરી
- વહીવટી તંત્રની ચેતવણી હવે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી થશે
પોરબંદરઃ જિલ્લામાં રવીવારે વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં પોરબંદર ડિસ્ટ્રીક કોર્ટ પાછળ લાંચરુશવત ખાતાની ઓફિસ પાસેથી જતા રસ્તા પર સર્વે નંબર 207 સરકારી જમીન પર બંને બાજુ ગેરકાયદેસર રીતે દબાણ કરીને દીવાલો ઊભી કરવામાં આવી હતી, જે અંગે તંત્ર દ્વારા અગાઉ પણ નોટિસ ફટકારવામાં આવી હતી તેમછતાં દબાણ દૂર કરવામાં ન આવતાં હુકમનું પાલન ન કરતા તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગૌચરની જમીન પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું
જિલ્લાના રાણાવાવથી જામનગર તરફ જતા રસ્તા ઉપર ધ્રુબકા મેષમાં આવેલી ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ પર રાણાવાવ મામલતદારે કાર્યવાહી કરી હતી. રાણાવાવના સર્વે નંબર 139 માં મકાન, ગૌશાળા તથા દિવાલ તોડી પાડી ગોચરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ જગ્યા પર નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો કબજો હતો.
ગેરકાયદેસર હોટલનું બાંધકામ દૂર કરવામાં આવ્યું
આ ઉપરાંત બોરડી ગામના પાટિયા પાસે ગેરકાયદેસર હોટલનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. જે સર્વે નમ્બર 1941 ઉપરનું આ દબાણ પણ દૂર કર્યું હતું. આ હોટલ પર રામ ગોઢાણીયાનો કબ્જો હતો.
ગેરકાયદેસર દબાણ કરનારા પર તંત્ર દ્વારા હવે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધાશે
પોરબંદર શહેરમાં કે જિલ્લામાં ખેતીવિષયક કે બિન ખેતી વિષયક સરકારી જમીન પચાવી પાડવાના ઇરાદે કોઇ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે દબાણ કરેલ હશે અને સ્વેચ્છાએ દબાણ દૂર નહિ કરે તો લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું.