પોરબંદરઃ આતિથ્ય ભવનના વિધિવત ઉદ્ઘાટન પછી સાંદીપનિના ઓડિટોરિયમમાં યોજાયેલા સમારોહમાં રાજયપાલે ઉદબોધન કરતાં કહ્યું હતું કે, હું જુલાઇ મહિનામાં રાજભવનમાં આવ્યો તે જ વર્ષમાં જ મને ભાઇની કર્મ કલામાંથી નિષ્પન્ન સાંદીપનિ મંદિરના દર્શન કરવાની ઈચ્છા હતી અને હું જ્યારે દર્શને આવ્યો ત્યારે ભાઇશ્રી કથામાં વ્યસ્ત હતા. આજે તેમની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે આતિથ્ય ભવનમાં ઉદ્ઘાટન પ્રસંગે આવતાં મને હર્ષ થાય છે. દેશ-વિદેશથી સાંદીપનિ આવતા ભકત પરિવારોને આવા સુંદર અને સુવિધાજનક અતિથિ ભવનમાં રહેવાનું મળશે તેનો મને આનંદ છે.
સંદીપનીમાં ત્રિવેણિ સંગમ
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ઉત્તમ શિક્ષણ, ઉત્તમ સંસ્કાર અને ઉત્તમ સ્વાસ્થ્ય આમ ત્રણ વસ્તુનો ત્રિવેણી સંગમ રચાયો છે. શિક્ષણ અને સંસ્કાર તો અહીં જ છે જ પણ અતિથિ ભવનના એક આકર્ષણમાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ પણ યાત્રિકોને મળી રહેશેએ જાણીને મને આનંદ થયો છે.
અહી ભાવિ પેઢીને વેદ મંત્રોના પાઠ કરતાં દેવવાણી સંસ્કૃત આપણાં દર્શન શાસ્ત્રોનું અધ્યયન કરવાની જે સુવિધા મળે છે તેનાથી બીજું કઈ મહત્ત્વનું નથી. સાંદીપનિ વિદ્યાનિકેતનના માધ્યમથી અને ભાઇશ્રીના નેતૃત્વમાં સાંદીપનિ ઉપરાંત રાજકોટમાં અને સાપુતારાના આદિવાસી બાળકો માટે શિક્ષણના માધ્યમથી બાળકોમાં સંસ્કાર સિંચનનું કાર્ય થઈ રહ્યું છે અને અહીના ટ્રસ્ટીઓ ભવિષ્યમાં આદિવાસી બાળકો માટે અલગ યુનિવર્સીટી બનાવવા વિચારે છે તે અભિનંદનને પાત્ર છે.
વેદ ગ્રંથોનું મહત્વ
રાજયપાલે ભારત સહિત વિશ્વના બધા જ પ્રશ્નોનો ઉકેલ વેદમાં પડ્યો છે અને વેદનું મધ્યમ સંસ્કૃત ભાષા અને સંસ્કૃત ભાષા પ્રત્યે અત્યારે જે ઉદાસીનતા જોવા મળે છે તે ચિંતાજનક બાબત છે. આજે પ્રવર્તમાન આતંકવાદ, સંઘર્ષ, માનવતાનું પતન, ભાઇચારાનો અભાવ જોવા મળે છે. તેનો ઉકેલ વેદના મંત્રોમાં ક્યાં જણાવ્યો છે તે વિષે રાજયપાલશ્રીએ વિવિધ વેદમંત્રો દ્વારા દર્શાવી પ્રભાવક શૈલીમાં તેના પર પ્રકાશ ફેકયો હતો અને આજની સઘળી સમસ્યાઓનું કારણ સંસ્કૃતનો અભ્યાસ નહી કરવાનો અને વેદના અભ્યાસનું અધ્યયન નહી થવાનું જણાવ્યું હતું અને સંસ્કૃતનું આ ઉચ્ચ જ્ઞાન ભણનાર અને ભણાવનાર નહિ હોય તો આપણો સમાજ અંધકારમાં ધકેલાઈ જશે એવી ચિંતા વ્યક્ત કરી હતી. પૂજ્ય ભાઈશ્રી સંસ્કૃતના સંવર્ધન માટે જે પ્રયાસો કરે છે તે સમગ્ર દેશને નવી ચિંધનારા બની રહ્યા છે.
ખેતી સુધારણા
રાસાયણિક ખાતરો હટાવવાની જુંબેશ ખેતી માટે અતિ ઉપયોગી છે તેમ જણાવીને રાજ્યપાલ કહ્યું હતું કે, હું હિમાચલ પ્રદેશના રાજ્યપાલ પદેથી ગુજરાત આવ્યો છું ત્યારે હિમાચલ પ્રદેશમાં રસાયણિક ખેતીને બદલે ઓર્ગનિક ખેતીના જે સફળ પ્રયોગો કર્યા હતા તે પ્રયોગ ગુજરાતમાં પણ મેં શરુ કરાવ્યા છે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એવા પ્રયત્નો કરવાની મારી ઈચ્છા છે. તેમણે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની પ્રેરણા કઈ દિશામાં ચાલે છે તે વિશે માહિતી આપી હતી.
સાંદીપનિની વિશેષતા
રાજ્યપાલએ પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના માધ્યમથી સંસ્કૃતનું અધ્યયન, વૈદિક યજ્ઞોની પરંપરા, ગૌ વંશનું સંવર્ધન અને ભવિષ્યમાં થનારી પ્રાકૃતિક ચિકિત્સાલય જેવી થઇ રહેલી પ્રવૃત્તીને કારણે સાંદીપનિ પુણ્ય જ્ઞાનરૂપ આશ્રમ બન્યો છે તે બદલ તેઓએ પૂજ્ય ભાઈને અભિનંદન આપ્યા હતા. ઉદ્ઘાટન સમારોહ બાદ રાજ્યપાલએ સાંદીપનિ સ્થિત ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ગૌશાળા કરવામાં આવતા ગીર ગાયોનાં સંવર્ધનની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત કરી હતી.
રાજ્યપાલના હસ્તે દાતા પરિવારોનું સન્માન
આતિથ્ય ભવનના સંપૂર્ણ સુવિધાજનક ભવ્ય ભવનના મુખ્ય મનોરથી બજરંગલાલ તાપડીયા, મહાવીર તાપડીયા, શિવરતન તાપડીયા, વિજયભાઈ તાપડીયા, મુંબઈના તુષારભાઈ જાની અને જેમના માર્ગદર્શનમાં ભવન નિર્માણનું કામ અતિ ટૂંકા ગાળમાં, સુંદર અને આધુનિક પદ્ધતિએ પૂર્ણ કરનાર ડી.એચ.ગોયાણી સહિતનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને તેમાં પૂજ્ય ભાઈશ્રી પણ જોડાયા હતા.
પ્રાસંગિક પ્રવચન
સાંદીપનિના ટ્રસ્ટી અને અતિથી ભવનના મનોરથી તુષારભાઈ જાનીએ સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ચાલતી પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો તો રાજકોટની મણીદ્વીપ સંસ્કૃત વિદ્યાપીઠ, રાજુલા પાસે આવેલ પૂજ્ય ભાઈશ્રીની જન્મભૂમી દેવકા વિદ્યાપીઠ અને આદિવાસી ડાંગ જિલ્લામાં આવેલી સાપુતારા સાંદીપનિ માધ્યમિક શાળા વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે પૂજ્ય ભાઈશ્રીએ તેમના પ્રેરક ઉદ્બોધનમાં કહ્યું હતું કે, આવાસની ઉપયોગીતા ત્યારે જ સિદ્ધ થાય છે કે તેમાં નિવાસ કરનાર કોઈ હોય, નિવાસ કરનારું કોઈ ન હોય તો આવાસ નકામા બની જાય છે. ઘણી જગ્યાઓ આવાસની કોલોનીઓ તૈયાર થઇ જાય છે પણ નિવાસ કરનારની ફાળવણી થતી નથી હોતી તો આવા આવાસો ભેંકાર દેખાતા હોય છે. નિવાસ કરનાર પરિશ્રમી પરિવારો હોય તો આવા આવાસો ધમધમતા જોવા મળે છે.
મનુષ્ય પૈસા માટે નથી. પૈસો મનુષ્ય માટે છે. વસ્તુ અને વ્યક્તિમાં કેન્દ્રમાં વસ્તુ (ધન)નું મહત્વ વધી જાય ત્યારે વિકટતા ઉભી થતી જાય છે. આપણે આપણા જીવનના ઉદ્દેશોને સમજીને જીવીએ તે વિશે આધ્યાત્મિક વિકાસનું મહત્વ શું છે તે પૂજ્ય ભાઈશ્રીએ તેમના પ્રવચનમાં સમજાવ્યું હતું.
આતિથ્ય ભવનની ઉપયોગીતા
સાંદીપનિ વિદ્યા સંકુલમાં ઉજવાતા વિવિધ ઉત્સવોમાં ભાગ લેવા દેશ-વિદેશના સુખી સંપન્ન પરિવારો જયારે આવતા હતા ત્યારે સંપૂર્ણ સુવિધા ધરાવતા નિવાસ મર્યાદિત હોવાથી તેમને શહેરમાં હોટેલોમાં રહેવું પડતું હતું તેઓની ઈચ્છા સાંદીપનિમાં નિવાસ માટે અતિથીભવન બને તેવી હતી, આથી અતિ આધુનિક સુવિધાવાળું આતિથ્ય ભવન બીજી બાજુ છે. વિદ્યાર્થીઓ માટે બીજી બાજુ છે. સુખી ગૃહસ્થો માટે આતિથ્ય ભવનમાં બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ભાઈશ્રીએ ભવનના નિર્માણમાં તાપડીયા પરિવાર તરફથી 5 કરોડ રૂપિયા ઉપરાંત અનુદાન આપ્યું છે તો ઉદ્યોગપતિ તુષારભાઈ જાનીએ પણ આકર્ષક અનુદાન આપ્યું છે તે બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
સાંદીપનિ હરિ મંદિરમાં અન્નકૂટ દર્શન
વસંતપંચમીના શુભ દિને સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં સવારે ગોવર્ધન પૂજા અને શ્રીહરિ સન્મુખ અન્નકૂટ-ભોગ સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. જેમાં બપોરે પૂજ્ય ભાઈશ્રીના હસ્તે મંદિરમાં અન્નકૂટ આરતી પણ યોજાઈ હતી અને તેના મનોરથી તરીકે ન્યુયોર્કના દિનેશભાઈ કાપડિયા અને શ્રીમતી દર્શનાબેન કાપડિયાએ ધર્મલાભ લીધો હતો.
પાંચ દિવસ પાટોત્સવ ચાલનારો હોવાથી પ્રતિદિન શ્રીહરિ મંદિરમાં વિવિધ શૃંગાર કરવામાં આવે છે તેના દર્શનનો લાભ લેવા માટે પોરબંદર શહેરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન હોવાથી સવારે 11 વાગ્યે સમગ્ર સાંદીપનિ પરિસરમાં શહીદોના માનમાં 2 મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.