પોરબંદરઃ જિલ્લામાં રેશનકાર્ડ વિનાના 1500 જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે. જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમે વિવિધ વિસ્તારોમાં ફરીને લાભાર્થીઓની યાદી તૈયાર કરી હતી.
રાજ્યમાં એક પણ પરિવાર અન્નનો ઓડકાર લીધા વગર ભૂખ્યા સૂવે નહીં તે માટે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતાથી કાર્ય કરી રહ્યું છે. અન્નબ્રહ્મ યોજના હેઠળ રેશનકાર્ડ વિનાના પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.
પોરબંદર કલેક્ટર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકનાં સંકલનમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અન્નબ્રહ્મ યોજના હેઠળ ગરીબોને અનાજ મળી રહે તથા જરૂરિયાતમંદ ગરીબ લોકોને NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ)માં સમાવવા માટે પોરબંદરના વિવિધ દંગાઓ, સ્લમ વિસ્તાર, ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની મુલાકાત લઇને યાદી તૈયાર કરવામાં આવી છે.
આગામી દિવસોમાં આ તમામ 1500 જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે.