પોરબંદરઃ જિલ્લાના 50 પૂર્વ સૈનિકો કોરોનાની મહામારીના લોકડાઉનમાં પોતાની નિવૃત્તિ પછીની આજીવિકાની નોકરી કરી બાકીનો સમય પરિવારના બદલે પોલીસની સાથે રહીને જનતાની સેવામાં સમર્પિત કરે છે. ગુજરાતના પોરબંદરના નિવૃત્ત સૈનિક સંગઠનના 50 જેટલા સભ્યો કોરોના મહામારીની સ્થિતિમાં લોકડાઉન સંદર્ભે દેશને મદદરૂપ થવાના ઇરાદા સાથે નિસ્વાર્થ ભાવે પોલીસતંત્ર સાથે જોડાઇને પોતાની નોકરી બાદના સમયમાં શહેરના કમલાબાગ, કીર્તિ મંદિર, રાણાવાવ, માધવપુર સહિતના પોલીસ મથક હસ્તકના વિસ્તારોમાં ફરજ બજાવી દેશને મદદરૂપ થઇ રહ્યા છે. પૂર્વ સૈનિકોની આ પ્રેરણાદાયી કામગીરીની ઠેર-ઠેર પ્રશંસા થઇ રહી છે.
અત્યારે દેશ અને દુનિયા જ્યારે કોરોના મહામારીના સંકટમાંંથી પસાર થઇ રહી છે, ત્યારે સમાજને ઉપયોગી થવાનો મહત્વનો સમય છે. કોરોના મહામારીના સંકટના વાદળો દેશમાંથી દૂર થાય અને આપણે ફરી પાછા ચિંતા મૂક્ત બની સામાન્ય જીવન પસાર કરી શકીએ.
તે હેતુથી અમારા એટેક માજી સૈનિક સંગઠનના પ્રમુખ પોપટભાઇ કારાવદરા સહિત સંગઠનના 50 મિત્રો પોતાની નોકરીના સમય બાદ જિલ્લાના વિવિધ પોલીસ મથક હસ્તકના વિવિધ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ સાથે ઉપસ્થિત રહીને નિસ્વાર્થ ભાવે ફરજ બજાવે છે. વાળાએ કહ્યુ કે, હું ફિશરિઝ કચેરીમાં ફરજ બજાવુ છું. દરરોજ મારી નોકરીના સમય બાદ કોરોના મહામારી સંદર્ભે લોકોને મદદરૂપ થવા પોલીસ સાથે ફરજ બજાવુ છું.
સંગઠન પ્રધ તરૂણભાઇ ગોહીલે કહ્યુ કે, મે 15વર્ષ સુધી ભારતીય સેનામાં નોકરી કરી છે. નિવૃત થયા પછી પણ પ્રવૃત રહીને દેશના વિકાસમાં પોતાનુ યોગદાન મળી રહે અને રાષ્ટ્ર પર કોઇ આપત્તિ આવે ત્યારે પ્રથમ દેશ સેવા માટે હું સંગઠનના માજી સૈનિક મિત્રો સાથે જોડાઇને કામ કરવા તૈયાર રહુ છું.
અત્યારે કોરોના મહામારીના કારણે પોરબંદર જિલ્લામાં પણ લોકડાઉન જાહેર કરાયુ છે. ત્યારે લોકો ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરે તથા સમાજમાં કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ ન આવે તે માટે જિલ્લા વહિવટીતંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસતંત્ર ખુબ જ ગંભીરતાથી કામ કરી રહ્યુ છે.
અમારી પણ નૈતિક ફરજ બને છે કે, લોકડાઉનની અમલવારી સારી રીતે થાય તથા લોકો અને પોલીસને પોતાનો સહયોગ આપવા અમારા સંગઠનના 50 સભ્યો નોકરી પૂર્ણ કર્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં પોલીસતંત્ર સાથે જોડાઇને પોતાના સમયની અનુકૂળતા મુજબ કોરોનાને હરાવવા કામ કરી રહ્યા છે.
આમ પોરબંદરના 50 જેટલા પૂર્વ સૈનિકો લોકડાઉનની સ્થિતિમાં નિસ્વાર્થ ભાવે જિલ્લાતંત્ર સાથે જોડાઇને સેવા આપી રહ્યા છે. જે લોકો માટે પ્રેરણારૂપ છે.