ઇનોવેશન ફેસ્ટીવલમા પોતાની ઇનોવેશન કૃતિ રજુ કરનાર બીલડી સીમશાળા-2, બખરલાનાં શિક્ષિકા બહેનો અશ્વિનાબેન ધોળકીયા અને હર્ષાબેન પઢીયારે કહ્યુ કે, ઇનોવેશન ફેસ્ટીવલમાં અમે એક વિચાર લઇ આવ્યા જે જિલ્લાની અન્ય શાળાઓમાં ઉપયોગી બનશે. શિક્ષણ સાથે સંસ્કાર સિંચન ચારિત્ર ઘડતર અને માનવતાનું નિમાર્ણ અમારી કૃતિ છે.
રાજ્યની શાળાઓમાં શિક્ષકો અનેક પ્રકારના નવતર પ્રયોગ કરતા હોય છે. એક શાળામાં થયેલો નવતર પ્રયોગ જિલ્લાની અન્ય શાળાઓના વિધાર્થીઓને પણ લાભ મળે, કંઇક શીખવા મળે, માર્ગદર્શન મળે તે હેતુથી એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. વિધાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે, જ્ઞાનનું આદાન પ્રદાન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
શ્રીનરસંગ ટેકરી પ્રા. શાળાનાં શિક્ષિકા પુર્વીબેન ભટ્ટ તથા રાણાબોરડી શાળાનાં શિક્ષક જયદિપભાઇ પરમારે કહ્યુ કે, એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલના માધ્યમથી એક શિક્ષકે તૈયાર કરેલી કૃતિ અન્ય શાળાઓના શિક્ષકો તથા વિધાર્થીઓ માટે ઉપયોગી બને છે. સરકારનો મુખ્ય હેતુ હોય કે, વિધાર્થીઓને સારૂ શિક્ષણ મળી રહે, શાળાઓમા શિક્ષકો દ્રારા થતા અવનવા પ્રયોગોનું આદાન પ્રદાન થાય, અમે રજુ કરેલી કૃતિ જિલ્લાની અન્ય શાળાઓને પણ ઉપયોગી થશે. તેમજ અન્ય શિક્ષકોની કૃતિનો લાભ અમારી શાળાના વિધાર્થીઓને પણ મળશે. જે સારી બાબત છે. સી. આર. સી કો ઓર્ડીનેટર એ. પી. રામાવતે કહ્યુ કે, વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને તેઓનો આત્મવિશ્વાસ વધારવામા આવે તો વિધાર્થીઓ ઉત્સાહ પુર્વક સર્જનાત્મક પ્રવૃતિ કરી શકે.
શિક્ષક જયેશભાઇ રંગવાણી અને પ્રીયંકાબેન મોદીએ કહ્યુ કે, વિધાર્થીઓ વિષય પ્રત્યે વધુ સમજ કેળવતા થાય, હું પણ કંઇક કરી શકું એવો વિધાર્થીઓમા ભાવ જાગે, એક શિક્ષકની કૃતિનો લાભ અન્ય શાળાઓને મળે તેમજ વિધાર્થીઓને મુંજવતા પ્રશ્નોનુ સરળતાથી નિરાકરણ લાવી શકાય તે માટે નવતર પ્રયોગ ખુબજ ઉપયોગી બને છે. સરકાર દ્રારા આયોજીત આ ફેસ્ટીવલ થકી વિધાર્થીઓના શિક્ષણમાં, આત્મવિશ્વાસમા વધારો થાય છે. તથા શિક્ષકોને પણ શિક્ષણ ક્ષેત્રે કઇક નવું કરવાની પ્રેરણા અને અવકાશ મળે છે. તેમજ આપસમાં જ્ઞાનની વહેંચણી થાય છે.
જિલ્લા કક્ષાનાં એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલમાં પોરબંદર જિલ્લાની તમામ શાળાઓના આશરે 500થી વધુ શિક્ષકો, વિધાર્થીઓ નવતર પ્રયોગ નિહાળવા પહોંચ્યા હતા. પોતાની શાળાઓમાં પણ કંઇક નવતર પ્રયોગ કરી વધુ સારી રીતે વિધાર્થીઓનુ ઘડતર થાય તે માટે શિક્ષકોએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.