- પોરબંદર જિલ્લાના દિવ્યાંગોને ઘરે બેઠા મળી રહે છે UDID કાર્ડ
- જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની સરાહનીય કામગીરી
- આ કાર્ડ થકી ભારત સરકારની તમામ યોજનાનો લાભ ઘર બેઠા મળશે : લાભાર્થી
પોરબંદર : જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મયોગીઓ સરાહનીય કામગીરી કરીને કોરોના સંક્રમણને વધુ ફેલાતુ રોકવા પોતાનાથી બનતા પ્રયાસો કરી રહ્યા છે. જિલ્લાના અંદાજે 700 જેટલા દિવ્યાંગોને પોસ્ટ મારફત UDID કાર્ડ ઘર બેઠા જ મળી રહે તે માટેની કામગીરી આરંભી છે.
અંદાજે 50 થી વધુ કાર્ડ પોસ્ટ મારફત મોકવામાં આવે છે લાભાર્થીઓના ઘરે
જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મોરીભાઈ સહિતનો સ્ટાફ આ કામમાં જોડાઇને દરરોજ અંદાજે 50 થી વધુ કાર્ડ પોસ્ટ મારફત લાભાર્થીઓના ઘરે મોકલે છે. કચેરીના કર્મયોગીઓની આ કામગીરીને લાભાર્થીઓ તથા તેમના પરિવારજનો બિરદાવી રહ્યા છે. આ ઉપરાંત મોરીભાઈએ કહ્યુ કે, 3જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવવામા આવે છે. દિવ્યાંગો સામાજિક, આર્થિક રીતે આગળ વધે તેઓનો વિકાસ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ રહીને દિવ્યાંગોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમા મુકી છે. તા.૩જી ડિસેમ્બરના રોજ સવારે 11:30 થી 12:15 સુધી વેબિનાર યોજાશે. જેમા દિવ્યાંગોને માર્ગદર્શન આપવાની સાથે કાર્યરત યોજનાઓ વિશે જાણકારી આપવામા આવશે.
દિવ્યાંગોને યોજનાઓનો લાભ ઘરે બેઠા મળી રહેશે
પોરબંદરના જ્યુબેલી પાસે રહેતા UDID કાર્ડના લાભાર્થી જાગૃતિબેન પરમાર અને અતુલભાઇ પરમારે કહ્યુ કે, કોરોના મહામારીના કારણે કોવિડ-19નુ સંક્રમણ ફેલાતુ અટકે તે માટે પોસ્ટ મારફત કાર્ડ મોકલવાની સાથે સરકારની જનહિતકારી યોજના સહિતની કોઇપણ જાણકારી ટેલિફોન મારફત પુરી પાડવામા આવે છે. ભારત સરકાર દ્રારા કાર્યરત તમામ યોજનાઓનો લાભ UDID કાર્ડના આધારે અમને આપોઆપ ઘરે બેઠા મળી રહે છે.