પોરબંદર: શહેરમાં આજે નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસને સાથે રાખી ચોપાટી પાસે આવેલી ચાઇનીઝ બજારની રેકડી કેબીનનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. જોકે, ધંધાર્થીઓએ રાજકીય ઈશારે આ પ્રક્રિયા થઈ હોવાનું જણાવી વિરોધ કર્યો હતો. દબાણ હટાવવા દરમિયાન પોલીસે 40 જેટલા ધંધાર્થીઓની અટકાયત કરી હતી. પોરબંદરમાં ગત 3 વર્ષથી રેકડી કેબિન ધારકો ચોપાટી પાસે ચાઈનીઝ બજારમાં પોતાનો ધંધો કરી રહ્યા છે. નગરપાલિકાએ આ જબાણની જગ્યા ખાલી કરવા અનેક વખત નોટિસ આપી હોવા છતાં રોકડી ધારકો દ્વારા દબાણ ખાલી કરવામાં આવ્યા નહોતા.
આજે નગરપાલિકાના અધિકારીઓએ પોલીસને સાથે રાખી દબાણ હટાવવામાં આવ્યું હતું અને રેકડીઓને ઉઠાવવામાં આવી હતી. ત્યારે રેકડી કેબિન ધારકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો. આ બાબતે પાલિકાના વહીવટદાર કે.વી બાટીએ જણાવ્યું કે, તમામ ધંધાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને અનેકવાર નોટિસ પણ આપવામાં આવી હતી, તેં છતાં દબાણની જગ્યા ખાલી નહીં કરાતા આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.