- રાષ્ટ્રીય પક્ષી મોરના એકી સાથે મોત થયાની પ્રથમ ઘટના બની
- પશુપાલન વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઇ ભોપાલ મોકલાયા
- તંત્ર દ્વારા 8 મૃતદેહને જમીનમાં દાટી નિકાલ કરવામાં આવ્યો
પોરબંદર : વિશ્વભરમાં કોરોના બાદ હવે બર્ડ ફ્લૂએ કહેર વર્તાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ બર્થ ફ્લૂએ દેખા દીધી છે. તેના સેમ્પલો ભોપાલ ખાતે મોકલવામાં આવી રહ્યા છે. તે દરમિયાન છેલ્લા બે દિવસથી પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકમાં આઠ મોરના મૃતદેહ મળી આવ્યા છે અને સાત મોર પેરેડાઇઝ બિમાર હાલતમાં મળી આવતાં તંત્ર દોડતું થયું છે. આઠ મૃતદેહને જમીનમાં દાટી નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે સાત પેરેલાઇઝડ બિમાર મોરને પોરબંદરના લાઈટ હાઉસ સામે આવેલ વન વિભાગ વિશ્રામ સ્થળ ચોબારી સ્થળે સુરક્ષિત રીતે રાખી સારવાર આપવામાં આવી રહી છે.
રાણાવાવ તાલુકામાં 8 મોરના મૃતદેહ અને કુતિયાણા તાલુકામાં 4 કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા
ગુજરાતમાં બર્ડ ફલૂએ દેખા દીધી છે. ત્યારે તા. 9 અને 10 જાન્યુઆરી બે દિવસમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ ગોવાણીવાડી વિસ્તારમાં માલદેભાઇની વાડીમાંથી મોરના પાંચ મૃતદેહ તથા 3 મોર બિમાર હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત બીજા દિવસે આ સ્થળેથી બે મૃતદેહ અને રામગઢ સિમમાંથી રાજુભાઇ મોઢવાડીયાની વાડીમાંથી મોર પક્ષીનો એક મૃતદેહ મળી આવ્યો હતો. તેમજ ચાર મોર પક્ષી બિમાર હાલતમાં મળી આવતા વન વિભાગને જાણ કરી હતી. પશુપાલન વિભાગ દ્વારા મોરના સેમ્પલ લઈને ભોપાલ મોકલવામા આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ બર્ડ ફલૂ છે કે, અન્ય કોઈ કારણોસર મોરના મોત થયા છે તે જાણવા મળશે. આ ઉપરાંત કુતિયાણા તાલુકામાં 4 કુંજ પક્ષી મૃત હાલતમાં મળી આવ્યા છે. જેમાંથી 2 કુંજ પક્ષીના મૃતદેહ ભોપાલ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
વનવિભાગના અધિકારીએ લોકોને તકેદારી રાખવા જણાવ્યું
પોરબંદર જિલ્લામાં ક્યાંય પણ પક્ષીઓના મોટી માત્રામાં મોત થયા હોવાનું જણાય તો લોકોએ નજીકના પશુ દવાખાને અથવા પક્ષી અભયારણ્ય ખાતે જાણ કરવા પોરબંદર વનવિભાગના અધિકારી દિપક પંડયાએ જણાવ્યું હતું. પોરબંદર તાલુકામાં બે બ્રોઇલર પક્ષીઓના ફાર્મ કાર્યરત છે. જેમાં 11900 પક્ષીઓ છે. આ ઉપરાંત રાણાવાવ તાલુકામાં 4 પોલ્ટ્રી ફાર્મ કાર્યરત છે. જેમાં 50 હજાર પક્ષીઓ છે. અને પશુપાલન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવે છે. કોઈપણ જગ્યાએ પક્ષીઓના મૃતદેહ જોવા મળે તો તાત્કાલિક ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવો. તેમજ મરેલા પક્ષી કે, મરઘાને ખુલ્લા હાથે અડવું નહીં. પોલ્ટ્રી ફાર્મ કે, માર્કેટ નજીક જરૂર સિવાય જવું નહીં. મરેલા મરઘા કે પક્ષીઓનો ખાડો દાટી યોગ્ય રીતે નિકાલ કરવો. લોકોને તાવ, શરદી, ખાંસી, શરીર દુખવું, પિંડીનો દુખાવો થવો, આંખો આવવી જેવા લક્ષણો થાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવવા જણાવ્યું હતું.