પોરબંદર : કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશ વાવાઝોડાની આગાહીના પગલે દરિયાકાંઠાના નજીકના વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. પ્રધાને આજ રોજ દરિયાકાંઠા વિસ્તાર સુભાષનગર સ્થિત ખારવા પ્રાથમિક શાળા ખાતેના આશ્રયસ્થાનની મુલાકાત લઈ લોકોના ખબર અંતર પૂછ્યા હતા. આ દરમિયાન દર્શનાબેને તમામ નાગરિકોને આરોગ્ય, રહેવાની તેમજ જમવાની પ્રાથમિક સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. તેમજ સરકાર હંમેશા માછીમારો અને નાગરિકો માટે ચિંતિત છે તેવી ખાતરી આપી હતી. ખારવા પ્રાથમિક શાળા સુભાષનગર ખાતે 200 કરતા વધારે લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.
ત્રણ દિવસ સુધી પોરબંદર : કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે વાવાઝોડા સંદર્ભે પ્રશાસનની પૂર્વ તૈયારીઓની માહિતી મેળવી કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક કરી હતી. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતના દરિયાકાંઠે સંભવિત કુદરતી આપતી અંગે જરૂરી પૂર્વ તૈયારીના પગલાં લઈ શકાય તે માટે રાજ્ય પ્રશાસન અને અમને માર્ગદર્શન આપ્યું છે. કેન્દ્રીય પ્રધાન ત્રણ દિવસ સુધી પોરબંદર ખાતે રોકાણ કરશે. વાવાઝોડા સંદર્ભે કામગીરી રાહત બચાવ તકેદારી અંગે માર્ગદર્શન આપશે.
મદદરૂપ થવા વ્યવસ્થા તંત્ર : ગુજરાત સરકારે ભારત સરકારના સંકલનથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસનોએ વાવાઝોડા પૂર્વે ટીમ વર્કથી કામ કર્યું છે. હજુ પણ જરૂરિયાત મુજબ ટીમો કામ કરી રહી છે. જરૂરિયાત મુજબ માલ પરિવહન માટે રેલવે તમામ પ્રકારની મદદ કરશે. રેલવે દ્વારા સાવચેતી રૂપે પગલા લેવાયા છે. સોમનાથ અને દ્વારકા સહિતના તીર્થ સ્થળોએ આ કુદરતી આપત્તિમાં નુકસાન ન થાય તે માટે સ્થળાંતર અને લોકોને મદદરૂપ થવા માટે એક વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવ્યું છે.
લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા : પોરબંદર જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરતા પ્રધાને જણાવ્યું કે, પોરબંદર જિલ્લામાં 59 સગર્ભા બહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવા આરોગ્ય વિષયક પગલા લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં પૂર્વ તૈયારી તેમજ વીજ પુરવઠો ખોરવાયો તો વહેલા સર રેસ્ટોરેશન થઈ શકે તે માટે તૈયારી રાખવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં 1200 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હજુ આ કામગીરી ચાલુ છે.
સરકારનું ટીમ વર્ક : કુદરતી આફત સામે સૌ સંસ્થાઓ, પદાધિકારીઓ સંગઠનો અને સેવાભાવી અગ્રણીઓની મદદ લઈ સરકાર સાથે સંકલન કરી કામગીરી કરી ઓછામાં ઓછું નુકસાન થાય એવા ઝીરો કેઝુઆલિટીના અભિગમ સાથે જિલ્લામાં કામ કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ સ્તરીય વિડિયો કોન્ફરન્સ અને મિટિંગમાં સાંસદ રમેશ ધડુક, કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ઓડેદરા, એસપી રવિ મોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠક્કર, અધિક કલેકટર મેહુલ જોશી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય પ્રધાન પરિસ્થિતીને વાકેફ થયા : આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાને ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને 59 જેટલી સગર્ભા મહિલાઓને લેડી હોસ્પિટલમાં તાત્કાલિક શિફ્ટ કરાય છે તેમની મુલાકાત લઈ હતી, ત્યારબાદ સુભાષનગરમાં વેચાણવાળા વિસ્તારમાંથી આશ્રય સ્થળ પર ખસેડાયેલા લોકોની મુલાકાત લઈ પરિસ્થિતીથી વાકેફ થયા હતા. તેમજ દર્શના જરદોશ એ પોરબંદરના ખારવા પ્રાથમિક શાળા સુભાષનગર સ્થિત શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. શેલ્ટર હોમમાં લોકોને જમવાની અને પીવાના પાણીની સહિત પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરાઈ છે.
માછીમારોએ વ્યથા વર્ણવી : પોરબંદરમાં સુભાષ નગર વિસ્તારમાં આવેલા આશ્રયસ્થાનની મુલાકાત લેવા આવેલા દર્શનાબેનને માછીમારોએ પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે, માછીમારોને બોટ પાર્કિંગ કરવા માટેનું સ્થળ અતી જર્જરિત છે. રાજાશાહી વખતમાં આ પારો રાજા એ બંધાવી આપ્યો હતો, ત્યારે બાદ સમારકામ પણ કરવામાં આવ્યું નથી. આથી આ બાબતે યોગ્ય કરવા માછીમારોએ કેન્દ્રીય પ્રધાને રજૂઆત કરી હતી.
- Cyclone Biparjoy : કચ્છમાં વાવાઝોડાની પુર્વ તૈયારીઓને લઈને માંડવીયાએ કરી ચર્ચા, 2 લાખ પશુઓને ખસેડવા કામગીરી હાથ ધરાશે
- Biparjoy Cyclone : રાજકોટમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ, 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે
- Cyclone Biparjoy : વાવાઝોડાના ઉછળતા મોજા વચ્ચે ઊંચા કોટડામાં ચામુંડાના દરવાજા ખુલ્લા, જૂઓ દરિયાકિનારેથી ગ્રાઉન્ડ રિપોર્ટ