પોરબંદર: વાવાઝોડા પૂર્વે પોરબંદરમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં કોંગ્રેસ દ્વારા ભારે રોષ સાથે PGVCLના ડાયરેકટરને આવેદન પાઠવ્યું હતું. સ્ટાફ અપૂરતો હોવાથી અન્ય જિલ્લામાંથી ટુકડીઓ બોલાવવા માંગ કરી હતી. બગવદર સબ ડિવીઝનના અધિકારી નવેમ્બર મહિનાથી હાજર ન થતાં કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા રજૂઆત કરી હતી.
ગંભીર બનતી વીજ સમસ્યા: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.ના ટેકનીકલ ડાયરેકટર અને PGVCL કોર્પોરેટ ઓફિસના એડીશનલ ચીફ એન્જીનીયર મહેતાએ પોરબંદરની મુલાકાત લીધી. ત્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડિયા સહિત અગ્રણીઓ દ્વારા તેમની મુલાકાત લઇને આવેદનપત્ર પાઠવી પોરબંદર જિલ્લાની ગંભીર બનતી વીજ સમસ્યા અંગે સાચી માહિતી પૂરી પાડી હતી.
" છેલ્લા ચાર દિવસથી બરડા પંથકના મોટાભાગના ખેતીવાડી ફીડરો બંધ છે. બે મહિના પહેલા જ કોંગ્રેસ દ્વારા ઉર્જામંત્રીને લેખિત રજૂઆત કરીને 146 કિ.મી.ના જર્જરીત વાયરો બદલાવવા સહિત અન્ય ઉપકરણો બદલાવવા માટે જાણ કરી હોવા છતાં પોરબંદરનું પી.જી.વી.સી.એલ.નું તંત્ર જાગ્યું નથી. બગવદરમાં ડેપ્યુટી એન્જીનીયરની જગ્યા પરના અધિકારી હાજર થતા નથી. જુનીયર એન્જીનીયરો પોતાની રીતે બનતા પ્રયાસો કરતા હોવા છતાં બધે પહોચી શકાતું નથી. સ્ટાફ પણ અપૂરતો હોવાને લીધે તેમજ અપૂરતા સાધન સરંજામને કારણે વીજળી વેરણ-છેરણ થઇ ગઈ છે." - રામદેવભાઇ મોઢવાડિયા, કોંગ્રેસ આગેવાન પોરબંદર
વીજળીના અભાવે મૂંગા જીવોના અવેડા ખાલી: વીજળીના અભાવે ગ્રામ્યપંથકની વોટર વર્કસની મોટર ચાલુ કરી શકાતી નથી. તેથી પીવાનું પાણી પણ ત્રણ દિવસથી મળતું નથી. મૂંગા જીવોના અવેડા ખાલી છે અને આ પશુઓની પણ વીજતંત્રને કોઈ દયા આવતી નથી. ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ ઉર્જામંત્રીને એપ્રિલ મહિનામાં રજુઆત કરી હોવા છતા વીજતંત્ર ઘોરતું રહ્યું છે. રામદેવભાઇએ ઉમેર્યુ હતુ કે વીજતંત્રના એમ.ડી.ને સુચના આપી હોવા છતાં પગલા લેવાયા નથી જે રીતે વીજચોરી પકડવા ચેકીંગ માટે અન્ય જીલ્લામાંથી ટુકડીઓ બોલાવાય તે માટે સમારકામ માટે પણ બોલાવો તેવી માંગ રામદેવ મોઢવાડિયાએ કરી હતી.
પૂરતા સ્ટાફની નિમણુક કરવા ઉગ્ર રજૂઆત: રામદેવભાઇ મોઢવાડીયાએ એવી માંગ કરી હતી કે હાલમાં વાવાઝોડારૂપી કુદરતી આફત પોરબંદર તરફ ઘસમસી રહી છે પરંતુ આવી પરિસ્થિતિમાં પણ બગવદર પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી એન્જિનીયર જેને નવે-૨૦૨૨થી ઓર્ડર અપાયો છે. છતાં હજુ સુધી ફરજ ઉપર હાજર થયા નથી. તેથી આવી મનમાની ચલાવતા અધિકારી સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ હેઠળ પગલા લઇને તેમને સસ્પેન્ડ કરી નાખવા જોઇએ તેવી પણ રામદેવભાઇ મોઢવાડીયાએ માંગણી કરી છે.