- ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની આજે પોરબંદરમાં સ્વાગત રેલી યોજાશે
- ભાજપના મહિલા સંમેલનમાં 400 થી વધુ મેદની પાર્ટી પ્લોટમાં ઉમટશે
- પોરબંદરમાં ચોપાટી પર પાર્ટી પ્લોટ ગરબીના આયોજકો નારાજ
પોરબંદર: શહેરમાં ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ આજે 9 ઓક્ટોબરે આવવાના છે, ત્યારે તેમના સ્વાગત માટે યુવા ભાજપની ટીમ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખુલ્લી જીપમા સી.આર.પાટીલ રહેશે અને અન્ય સ્કુટરોમાં યુવા ભાજપની ટિમ સાથે હશે. આ રેલી પોરબંદરમાં આવેલા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિર સુધી પહોંચશે અને ત્યારબાદ ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે મહિલા સંમેલનમાં સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. જ્યાં 400 થી પણ વધુ લોકો ઉમટશે અને 2000 જેટલી મહિલાઓ ભાજપમાં જોડાશે તેમ ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ મોઢવાડીયાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: 2022ની ચૂંટણીમાં રીપિટ થીયરી લાગુ કરવી કે નહીં એ વડાપ્રધાન મોદી નક્કી કરશે: સી. આર. પાટીલ
સરકારના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે: પાર્ટી પ્લોટ ગરબા આયોજક
પોરબંદરમાં દર વર્ષે પાર્ટી પ્લોટ ગરબાનું આયોજન કરતા JCI ગ્રુપના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરણીયાએ જણાવ્યું હતું કે, એક તરફ સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેરથી લોકોને બચાવવવા માટે નવરાત્રીમાં યોજાતા પાર્ટી પ્લોટ ગરબી પર પ્રતિબંધ લગાવ્યો છે અને શહેરી ગરબીમાં 400 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. પોરબંદરમાં રાજકીય પાર્ટી દ્વારા થનારાં મહિલા સમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે. તો આવું શા માટે ? સરકારના નિયમો કોઈ રાજકિય પાર્ટીને કેમ લાગુ નથી પડતા ? સરકારના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ છે.
આ પણ વાંચો: પાટીલની પાઠશાળા: કાર્યકરોને શીખવ્યું કે- અધિકારીઓ કરતા પાર્ટીના પદાધિકારીઓ મોટા, તેમની સાથે મિત્રતા ન રાખો