- ગૌશાળામાં ઘાસચારો અને પાણી તથા યોગ્ય વ્યવસ્થાનો આભાવ
- ગૌવંશ માટે સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માગ
- કોંગ્રેસ અને ગૌ પ્રેમીઓએ પાલિકા કચેરીનો ઘેરાવ કર્યો
પોરબંદર: રખડતા ગૌવંશનાને પકડી પાલિકા દ્વારા પાલિકા હસ્તક ઓડદર ગૌ શાળામાં રાખવામાં આવે છે, પરંતુ આ ગૌશાળામાં ઘાસચારો નાખવામાં આવતો હોય અને પાણીની પણ સમસ્યા હોય તેમજ છાપરાની કોઈ વ્યવસ્થા ગૌવંશ માટે કરવામાં ન આવી હોય તેવા આક્ષેપો સાથે આજે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પ્રેમીઓએ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો અને અધિકારીઓને મળવા જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસે 10 જેટલા કોંગ્રેસ કાર્યકર્તા અને ગૌપ્રેમીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ગૌવંશ હત્યા અને તસ્કરી કરતા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીની કરાઇ માગ
ગૌશાળામાં સુવિધાઓ વધારવામાં નહીં આવે ત્યાં સુધી વધુ ઉગ્ર આંદોલન
પોરબંદર શહેરમાંથી રખડતા ઢોરને પકડવામાં આવે છે અને પકડીને ઓડદરની ગૌશાળામાં રાખવામાં આવે છે, પરંતુ ઘાસચારા અને પાણીના અભાવે ગૌવંશના મોત થતાં હોવાનું સામે આવ્યું છે તથા આ બાબતે પાલિકા દ્વારા યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માગ સાથે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગૌપ્રેમીઓની સાથે રહી પાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. જ્યાં સુધી ગૌશાળામાં સુવિધાઓ વધારવામાં નહીં આવે ત્યાં સુધી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: વડોદરાઃ 37 ગૌવંશ ભરેલું કન્ટેઇનરને ઝડપાયું, ડ્રાઇવર અને ક્લીનર ફરાર
કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ આ ગૌશાળાની મુલાકાત લીધી
પોરબંદર પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવામાં આવે છે અને પકડયા બાદ ઓડદર ગામે પાલિકા સંચાલિત ગૌ શાળામાં મૂકવામાં આવે છે, પરંતુ પોરબંદરમાં ચાલતા ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનિમલની ટીમ અને કૉંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ આ ગૌશાળાની મુલાકાત લેતા પકડાયેલા કેટલાક ગૌ વંશના મૃતદેહ રઝળતા જોવા મળ્યા હતા. જ્યારે તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને કેટલા પશુઓ પકડયા છે તે આંકડો માંગતા 360 ગૌવંશ પકડયા હોવાનું જણાવ્યું હતુ. ગૌશાળામાં હાલ 122 પશુઓ હોવાનું ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનિમલના સભ્યોએ જણાવ્યું હતુ. આથી 238 ગૌવંશ ગાયબ થયા હોવાનું જણાયું હતુ. આ ગૌવંશ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો નાખવામાં આવે અને પાણીની તથા અન્ય પ્રાથમિક સુવિધાઓ રાખવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.