પોરબંદર: અભિલેખાગાર કચેરીના બિલ્ડિંગમાં છેલ્લા છ માસ દરમિયાન કોમ્પ્યુટરના એક સીપીયુની ચોરી થઈ છે. આ અંગેની ફરિયાદ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. કચેરી નિયમિત ખૂલતી ન હોવાથી ચોરી થયાની જાણ છ મહિને થઈ હતી. અભિલેખાગાર કચેરી માત્ર બે પટાવાળા દ્વારા સંભાળવામાં આવી રહી છે.
17 જૂલાઈના રોજ થઈ ચોરી: પોરબંદર જીલ્લા અભીલેખાગાર ગોપનાથ પ્લોટ ખાતેની ઓફિસમાં ગુજરાત રાજ્ય અભીલેખાગાર ગાંધીનગર ખાતેથી ફાળવવામાં આવેલ કોમ્પ્યુટર ડેસ્કટોપ સેટનું એચપી કંપનીનુ સીપીયુ જેની અંદાજીદ કિંમત 15000નું કોઇ અજાણ્યો ચોર જીલ્લા અભીલેખાગાર કચેરીમાં છ મહીના પહેલાથી 17 જૂલાઈના રોજ ગુપ્ત પ્રવેશ કરી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યાની ફરિયાદ અભિલેખાગાર કચેરીના અધિકારી વનરાજસિંહ હાડાએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
કચેરીમાં એક નવું અને બીજું જૂનું એમ બે સીપીયુ હતા તેથી તેમાંનું એક બંધ થતાં બીજું ચાલુ કરવાનું પટાવાળાને કહેવામાં આવતા તેણે જાણ કરી કે બીજું જ સીપીયુ જે સ્પેર મૂકી દીધું હતું તે તેની જગ્યાએ છે જ નહીં. આથી આ ચોરી છેલ્લા છ માસના ગાળામાં થઈ છે તેમ સ્પષ્ટ થતા પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. - વનરાજસિંહ હાડા, ઇન્ચાર્જ અધિક્ષક
6 મહિને ચોરીની જાણ થઈ: પોરબંદરની અભિલેખાગાર કચેરીના અધિક્ષક વનરાજસિંહ હાડાએ જણાવ્યું હતું કે કચેરીમાં હાલમાં માત્ર બે પટાવાળા ફરજ બજાવે છે અને તેઓ પોરબંદર ઉપરાંત જુનાગઢ અને ભાવનગર અભિલેખાગાર કચેરીનો પણ ચાર્જ સંભાળી રહ્યા છે. તેથી પોરબંદર અભિલેખાગાર કચેરીમાં તેમની સતત અને નિયમિત હાજરી હોતી નથી. કચેરી નિયમિત ખૂલતી ન હોવાથી ચોરી થયાની જાણ છ મહિને થઈ હતી.