- અનેક યાયાવર પક્ષી ઓ બને છે સૂરખાબી શહેરના મહેમાન
- આ વિસ્તારને સરકાર દ્વારા વેટલેન્ડ જાહેર કરવામાં આવ્યો છે
- હાઈકોર્ટ દ્વારા 2015માં માછી મારી પર લગાવાયેલ છે પ્રતિબંધ
પોરબંદર : જિલ્લામાં શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં અનેક વિદેશી પક્ષીઓ આવતા હોય છે. પોરબંદર આસપાસ જળપ્લાવિત વિસ્તાર પણ આવેલા છે. જેમાં પોરબંદર થી 20 કિલોમીટર દૂર આવેલા ગોસાબારા પાસે આવેલ કર્લી જળાશયને સરકાર દ્વારા જળ પ્લાવિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે હાઇકોર્ટ દ્વારા 2015માં આ વિસ્તારમાં આવતા પક્ષીઓની સુરક્ષા રાખવા આદેશ આપ્યો હતો. આથી તે સમયે માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં જિલ્લા કલેક્ટરે આ ફરમાન કર્યું હતું, પરંતુ આટલા લાંબા સમય બાદ પણ ફરીથી આ વિસ્તારમાં માછીમારી થતી હોવાનું સામે આવતા જિલ્લા કલેકટર દ્વારા આ વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધના અમલ ને કડક બનાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
પોલીસ અને વન વિભાગને અપાઈ કડક સૂચના
પોરબંદર જિલ્લામાં મોટા પ્રમાણમાં યાયાવર પક્ષીઓ સહિતના અનેક પ્રજાતિ શિયાળાની ઋતુમાં આવતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં પક્ષી કર્લી જળાશયનેમાં આશરો લેતા હોય છે અને સાંજના સમયે તથા વહેલી સવારે ખોરાકની શોધમાં પણ આવતા હોય છે. પક્ષીઓનો ખોરાક માછલી છે જેથી લોકો દ્વારા પક્ષીઓનો શિકાર ના થાય આ ઉપરાંત માછીમારી પર પ્રતિબંધનો કડક અમલ થાય અને લોકો દ્વારા પક્ષીઓને કોઈ રંજાડ ન થાય તે માટે જિલ્લા કલેક્ટરે જિલ્લા પોલીસ અધિકારીને તથા જિલ્લા વન વિભાગને પણ કડક અમલવારી કરવા સુચના આપી છે.
આ વિસ્તારમાં પસાર થતા વાહનો એ પણ મોટેથી હોર્ન ન વગાડવા
પક્ષીઓને શાંત વાતાવરણ ગમતું હોય છે અને પોરબંદર નજીક આવેલ કર્લી જળાશયમાં આવતા પક્ષીઓને ખલેલ પહોંચે તેમ ઘણીવખત રસ્તા ઉપરથી પસાર થતા વાહનો દ્વારા મોટેથી હોર્ન વગાડવામાં આવતા હોય છે. તે અંગે પણ સૂચન બોર્ડ પણ લગાડવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર ડી એન મોદી એ જણાવ્યું હતું.