આ સાયકલ યાત્રાને 7 સપ્ટેમ્બરના રોજ 9 વાગ્યે ચોપાટી મેદાન પોરબંદરથી ગૃહરાજ્યપ્રધાન જી કિશન રેડ્ડીના હસ્તે લીલીઝંડી બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેલ યુવા અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યપ્રધાન ઈશ્વરભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાયકલ યાત્રાનો સમાપન સમારોહ 2 ઓક્ટોબરના રોજ નવી દિલ્હી રાજઘાટ ખાતે કરવામાં આવશે.
કેન્દ્રીય અર્ધસૈનિક બળ અને અસમ રાઇફલના 500 સાઈકલ ચાલકો જેમા BSF, CRPF, CISF, ITBP, SSB, NSG ના જવાનો સહભાગી થશે. આજે પોરબંદરથી પ્રસ્થાન થયા બાદ આ સાયકલ યાત્રા 4 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા થઈને દિલ્હીમાં પ્રવેશ કરશે. 7 સપ્ટેમ્બકથી શરૂ થયેલ સાઈકલ યાત્રા કુતિયાણા થઈ તારીખ 8 ના રોજ રાજકોટ, તારીખ 9 ના રોજ ટંકારા, તારીખ 10 ના રોજ માળીયા, તારીખ 11 ના રોજ આડેસર, તારીખ 12 ના રોજ રાધનપુર અને તારીખ 13 ના રોજ થરાદ થઈને રાજસ્થાનમાં પ્રવેશ કરશે.
આ સાઈકલ યાત્રાનું આયોજન પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, BSF ના આઇ.જી.પી કે જોષી, SDG ના આઇપીએસ સુરેન્દ્ર પનવાર, પોરબંદરના કલેક્ટર ડી. એમ. મોદી, ડી.ડી.ઓ વિ. કે. અડવાણી અને નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
સાઇકલ યાત્રામાં જોડાનાર તમામ સાઈકલ યાત્રીઓ માટે માઉન્ટેન રાઇડિંગ રોડ બાઈક સાઈકલ આપવામાં આવી છે. જેમાં 8 જેટલા ગેર હોય છે અને તેની કિંમત 15 હજારથી લઈને 3.5 લાખ સુધીની હોય છે. આ સાઈકલમાં આધુનિક પ્રકારના ગિયર બોક્સ અને ગિયર સિસ્ટમ લગાવવામાં આવ્યા છે. સાઈકલ યાત્રીઓ માટે દરેક જગ્યાએ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને તેમના રહેવા અને જમવાની વ્યવસ્થાઓ પહોંચતા પહેલા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી છે.