પોરબંદરના ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ સંસ્થા ધર્મ કે કોમના ભેદભાવ વગર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને બ્રેઇલ લીપીના માધ્યમ દ્વારા ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ, સંગીતમાં પ્રારભિકથી સંગીત વિશારદ સુધીનું શિક્ષણ, કોમ્પ્યુટરની અદ્યતન તાલીમ અને હળવા હુન્નર ઉદ્યોગોની તાલીમ આપતી આ સંસ્થા કોઇપણ પ્રકારની ફી કે ચાર્જ વગર નિઃશુલ્ક પણે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. ત્યારે આ સંસ્થાના 60 વર્ષ પુર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્થાના 60માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યના પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનોના વ્યક્તિત્વનો વિકાસ થાય તે આજના સમયની માગ છે અને તેથી જ સંસ્થાના સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત સંસ્થાના સ્થાપક સ્વ. દેવજીભાઇ જે. ખોખરી સાહેબની સ્મૃતિમાં 'ઓપન ગુજરાત પર્સનાલીટી ડેવલપમેન્ટ કોમ્પીટીશન ફોર ધ બ્લાઇન્ડ'ની સ્પર્ધાનું ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત જ સંસ્થા દ્વારા આયોજન કરાયું હતું.
આ સ્પર્ધામાં ભાગ લેવા સમગ્ર ગુજરાત રાજ્યના 18થી 30 વર્ષની વયજુથના પ્રજ્ઞાચક્ષુ યુવાનો અને યુવતીઓ વિશાળ સંખ્યામાં ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાયા હતા અને પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ પોતાના જાજરમાન વ્યક્તિત્વનો પરિચય કરાવવા સ્ટેજ ઉપર આવ્યા હતા. વિશિષ્ટ સ્પર્ધામાં સ્પર્ધકોને સ્ટેજ પર બોલાવી તેના બાહ્ય વ્યક્તિત્વ ઉપરાંત વિવિધ પ્રકારની પ્રશ્નોતરી દ્વારા તેના આંતરીક વ્યક્તિત્વનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું અને પ્રથમ-દ્વિતીય-તૃતીય વિજેતા સ્પર્ધકો જાહેર કરવામાં આવ્યા હતા.
સંસ્થાના 60માં સ્થાપના દિન ઉજવણી કાર્યક્રમના પ્રમુખ સ્થાને પોરબંદર કલેકટર મુકેશભાઇ પંડ્યા, મુખ્ય મહેમાન પદે જિલ્લા અધિકારી કલેકટર મહેશભાઇ જોષી, અતિથિ વિશેષ તરીકે લાયન્સ ક્લબ ઓફ પોરબંદરના નવનિયુક્ત પ્રમુખ હીરલબા જાડેજા, રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રમુખ ડૉ. પુષ્પાબેન દયલાણી, લાયોનેશ ક્લબ ઓફ પોરબંદરના પ્રમુખ જ્યોતિબેન મસાણી સહિત અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રગણ્યો અને શહેરના સુપ્રસિધ્ધ તબીબ સંસ્થાના ઉપપ્રમુખ ડૉ. સુરેશભાઇ ગાંધી, જતીનભાઇ હાથી, શેઠ બાબુભાઇ ખોખરી તેમજ શહેરના અગ્રગણ્ય નાગરીકો પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનોને પ્રોત્સાહીત કરવા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.