રાજકોટ: શહેરના સર્વેશ્વર ચોકમાં શુક્રવારની રાતે દોઢ વાગ્યાના અરસામાં ફટાકડા ફોડવા જેવી બાબતે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી હતી. આ સમગ્ર બનાવમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા 27 વર્ષીય કાર્તિક સરવૈયા નામના યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે મૃતકના નાનાભાઈ 21 વર્ષીય પ્રકાશ સરવૈયા તેમજ પિતરાઈ ભાઈ કેતન વોરાને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 21 વર્ષીય પ્રકાશ સરવૈયા દ્વારા અમરદીપસિંગ ઉર્ફે બાલી ભાઈ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી છે
શું હતો સમગ્ર મામલો: પોલીસ ફરિયાદમાં મૃતકના નાનાભાઈ પ્રકાશ સરવૈયાએ જણાવ્યું હતું કે, તે તેમજ તેમનો ભાઈ આઇટીસી કંપનીમાં નોકરી કરે છે. દિવાળીની રાત્રે તે તેમજ તેમનો મોટો ભાઈ (મૃતક) કાર્તિક તેમજ તેમની માસીનો દીકરો કેતન વોરા ફટાકડા ફોડવા માટે સર્વેશ્વર ચોક પાસે રહેતા તેમના મિત્રના ઘરે ગયા હતા. દરમિયાન રાત્રિના સમયે તેઓ તેમના ગ્રુપમાં ફટાકડા ફોડતા હતા. જ્યારે તેમની સામે બાલીસ પંજાબી ધાબાના માલિક કે જેમનું નામ અમરદીપ સિંગ ઉર્ફે બલી છે તે પણ ત્યાં ફટાકડા ફોડતા હતા. ત્યારે અમરદીપ સિંગ ઉર્ફે બાલીએ એક ફટાકડાની લૂમ (મૃતક) કાર્તિક ઉપર નાખી હતી તેમજ થોડીવાર બાદ અમરદીપ ઉર્ફે બાલી દ્વારા બીજી વખત ફટાકડાની લૂમ નાખવામાં આવતા બોલાચાલી તેમજ ઝઘડો થયો હતો. જોકે ત્યારબાદ બંને વચ્ચે સમાધાન પણ થયું હતું. જોકે, રાત્રિના સમયે અમરદીપ સિંગ ઉર્ફે બાલી દોઢ વાગ્યાના અરસામાં કાર લઈને આવ્યો હતો અને તેમની ઉપર કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ અમરદીપ સિંગ ઉર્ફે બાલી કારમાંથી નીચે ઉતરી મારામારી કરી અને કેતનને જેમ ફાવે તેમ છરીના ઘા ઝીંક્યા હતા.
આરોપી ઝડપાયો: ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી અમરદીપ સિંગ ઉર્ફે બાલી નાસી ગયો હતો, અને આ મામલે પોલીસે તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી જે અંતર્ગત આજે તેને જામનગર રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.