પોરબંદર: કાળી ચૌદસના દિવસે મધરાતે સ્મશાનમાં તાંત્રિક વિધિઓ થવાનું લોકોના મુખે સાંભળ્યું હશે, પરંતુ આ પ્રકારની અંધશ્રદ્ધા નિવારણ માટે પોરબંદરમાં છેલ્લા 19 વર્ષથી સુપર ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજીને અંધશ્રદ્ધા નિવારણની પહેલ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પોરબંદરની સ્મશાન ભૂમિમાં બે બાળકોના જન્મદિવસની કેક કટીંગ કરી ઉજવણી કરવામાં આવી હતી.
અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ: સોબર ગ્રુપના સભ્યો દ્વારા અંધશ્રદ્ધા નિવારણ અંતર્ગત વિહા શૈલેષભાઈ રાયચુરા અને આર્યન વિપુલભાઇ રાયચુરા નામના બે બાળકોના જન્મદિવસની ઉજવણી સ્મશાનમાં કરવામાં આવી હતી ઉજવણી કરી હતી. એટલું જ નહીં સોબર ગ્રૂપના સભ્યો દ્વારા ચોકમાં મુકેલા ભજીયા ખાઈને અંધશ્રદ્ધા નિવારણનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.
કાળી ચૌદસ નિમિત્તે ખાસ કાર્યક્રમો: પોરબંદર સોબર ગ્રુપ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ માટે અલગ કાર્યક્રમ યોજાય છે, જેમાં અત્યાર સુધીમાં સ્મશાનમાં ભજીયા ખાવા ,અંતિમ યાત્રાની બસમાં વિશેષ આગેવાનોને સ્મશાન સુધી લાવી સ્મશાનમાં તેઓનું સ્વાગત કરવું, ઉપરાંત સ્મશાનમાં કાળી ચૌદસના દિવસે ધુન, ભજન-કીર્તનનું આયોજન કરવું જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા છે. લોકોમાં અંધશ્રદ્ધા નિવારણ વિશે જાગૃતિ આવે તે હેતુ થી આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમ સોબર ગૃપના સભ્ય ભીખુ ભાઈ પુરોહિતે જણાવ્યું હતું.
19 વર્ષથી ચાલતા અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો: મહત્વપૂર્ણ છે કે, પોરબંદરમાં 19 વર્ષથી સોબર ગ્રુપ દ્વારા દર વર્ષે અંધશ્રદ્ધા નિવારણના વિવિધ કાર્યક્રમ યોજી લોકોને જાગૃત કરવામાં આવે છે, આ ગ્રૂપના સ્થાપક સ્વ દિલીપ ધામેચાએ અંધશ્રધ્ધા નિવારણના કાર્યક્રમ માટે આ ગ્રૂપની શરૂઆત કરી હતી. આ પ્રસંગે લાયન્સ કલબના ગવર્નર હિરલ બા જાડેજાએ જણાવ્યું હતુ કે, કાળી ચૌદસના દિવસે મહિલાઓ કકળાટ કાઢવા ભજિયા બનાવી ચોકમાં મૂકે છે. આ ઉપરાંત કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં તાંત્રિક વિધી થતી હોવાનું ઘણા લોકો વાતો કરતા હોય છે અને ડરતા હોય છે.