પોરબંદર: જિલ્લાના મોઢવાડા ગામે રવિવારે સવારે 10:00 કલાકે મોઢવાડા ગામના રહેવાસી રામ ભીમા મોઢવાડિયા પોતાની બાઇક લઇને મોઢવાડા ગામથી બગવદર જવા ઘરેથી નીકળ્યા હતા, તે દરમિયાન કેસુ લીલાની વાડી રોડ ઉપર પહોંચતા અચાનક પાછળથી એક સફેદ બોલેરો કાર આવી હતી અને પાછળથી બાઇકને ટક્કર મારી હતી જેથી બાઇક પછાડી ગઇ હતી.
બાદમાં કારમાંથી રમેશ વણઘા મોઢવાડિયા પોતાના હાથમાં ગેડીયો લઈને ઉતરેલા હતા, તેમની સાથે બીજો એક ખેત મજુર પણ હતો. આ બન્નેએ જુના મનદુઃખના કારણે આડેધડને માર માર્યો હતો. આ ઘટના દરમિયાન ત્યાંથી રામ ભીમા મોઢવાડિયાના ભત્રીજાઓ રામદેવ દેવસી મોઢવાડિયા અને મોહન દેવસી મોઢવાડિયા ત્યાંથી પસાર થતા હતા અને તેમણે વચ્ચે પડીને રામ ભીમા મોઢવાડિયાનો બચાવ કર્યો હતો.
જો કે, આ દરમિયાન તેમના ઉપર પણ રમેશ વણઘા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મોઢવાડા ગામના રામદેવ દેવસી મોઢવાડિયા અને રામ ભીમા મોઢવાડિયા બંને કાકા-ભત્રીજાને ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં રામ ભીમા મોઢવાડિયાને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. સમગ્ર બાબત અંગે બગવદર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.