પોરબંદર: છાયા નગરપાલિકાના સુકાની તરીકે અઢી વર્ષ માટે સરજુ કારીયા પાસે પ્રમુખ પદ હતું. અઢી વર્ષ બાદ તેમની ટર્મ પૂર્ણ થતાં આગામી પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારી તથા ઉપપ્રમુખ તરીકે મનીષ શિયાળ અને કારોબારી ચેરમેન તરીકે દિલીપભાઈ ઓડેદરાની નિમણુક કરવામાં આવી હતી.
નવા પ્રમુખને પાઠવી શુભેચ્છાઓ: પોરબંદર-છાયા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલ ડો. ચેતનાબેન તિવારી છેલ્લા ત્રણ વર્ષથી સુધરાઈ સભ્ય તરીકે રહ્યા છે. ત્યારે સરળ અને મિલનસાર સ્વભાવ ધરાવતા ચેતનાબેન પાલિકાનું શાસન આગામી અઢી વર્ષ માટે સફળતાપૂર્વક ચલાવે તેવી શુભેચ્છાઓ પાલિકાના કાઉન્સિલરો અને ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનોએ પાઠવી હતી.
પાલિકા પ્રમુખની વરણી સમયે પત્રકારો નારાજ: નગરપાલિકા સભાખંડમાં પાલિકાના પ્રમુખની વરણી સમયે ભાજપના આગેવાનોએ સભાખંડમાંથી પત્રકારોને બહાર જવાનું કહેતા પત્રકારો નારાજ થયા હતા. અંતે પોતાની ભૂલ સ્વીકારી પત્રકારોની માફી માંગી હતી.
બે મહિલા દાવેદરોની આંખમાં આંસુ: પોરબંદર પાલિકાના પ્રમુખની વરણી સમયે ડો. ચેતનાબેન તિવારીની વરણી થતાં અન્ય બે મહિલા દાવેદારો ગીતાબેન કાણકીયા અને સરોજ બેન કક્કડની આંખમાંથી આસું સરી પડ્યા હતા.