પોરબંદર ડીઝાસ્ટર મામલતદારે જણાવ્યું કે, જૂનાગઢ જીલ્લાના વંથલી ગામ પાસે આવેલા આેઝતવિયર ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે પાણીની આવક થઈ છે. જેથી ડેમના બધા દરવાજાને ખોલવામાં આવ્યા છે. જળાશયનું લેવલ 25.2 મીટર થયું છે. અને જે 2 મીટર આેવરફલો થયો છે. જેથી પોરબંદરના ઘેડ પંથકના ગામો અમીપુર, મૈયારી, બળેજ, રાતિયા, નવીબંદર, ચિકાસા, ગરેજ અને ઉંટડા ગામના લોકોએ નદીના પટમાં અવર-જવર નહી કરવા તેમજ માલઢોર અને વાહનોને નદીના પ્રવાહ કે પટ પાસેથી પસાર નહીં થવાની ચેતવણી આપવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં વર્ષાઋતુમાં સંભવીત ભારે વરસાદ સંદર્ભે કલેકટર મુકેશ પંડ્યાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરએ ભારે વરસાદ પડે તો ઓઝત, ભાદર અને મધુવંતી નદીના પુરથી ઘેડ વિસ્તારમાં સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે વરસાદ બાદ પાણી પુરવઠા અને હેલ્થ વિભાગે ખાસ તકેદારી રાખવા જણાવી રોગચાળો ન ફેલાય, લોકોને ચોખ્ખુ પીવાનું પાણી મળી રહે તે સંદર્ભે કાળજી લેવા જણાવ્યું હતું. ભારે વરસાદ સંદર્ભે તમામ વિભાગને સાવચેત રહેવા સુચનાઓ આપી હતી.