પોરબંદર: કુતિયાણા પંથકમાં બળેજ ગામની આસપાસ વાડી વિસ્તારમાં ખેડૂતોએ સિંહણ અને તેના બચ્ચા સાથે વસવાટ કર્યો હવાનું જાણવા મળ્યું છે. છેલ્લાં પાંચ દિવસથી કુતિયાણા પંથકમાં એક સિંહણે ધામા નાખ્યા છે. કુતિયાણા નજીક ખાગેશ્રી થી જામજોધપુર સુધીનો વન વિભાગનો બેલ્ટ છે. આ વિસ્તારમાં વર્ષો પહેલા સિંહ વસવાટ કરતા હોવાની વાત પ્રકૃતિ પ્રેમીઓએ કરી છે. આ અંગે બળેજ ગામના લીલાભાઈ પરમારે વનવિભાગને સુચન કર્યુ છે કે, આ માદા સિંહ અને તેના બચ્ચાને ખાગેશ્રી થી જામજોધપુર સુધીના બેલ્ટમાં જ વસવાટ કરવા દેવામાં આવે અને કોઈ પણ રીતે તેની રંજાળ ન કરવામાં આવે. લીલાભાઈએ આ સિંહણની સરખામણી રાણી લક્ષ્મીબાઈ સાથે કરી છે, જે રીતે રાણી લક્ષ્મીબાઈ પોતાના બાળકને લઈને આગળ વધતી ગઈ તે રીતે આ સિંહણ પણ તેના બાળકને લઈને અનેક મુશ્કેલીઓ પાર કરીને અહીં સુધી પહોંચી હશે. આથી આ સિંહણનું નામ લક્ષ્મી રાખવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી.
સિંહોને અનુકૂળ આવતો વિસ્તાર: એક વર્ષ અગાઉની વાત છે, જ્યારે ઓક્ટોબર 2022ના રોજ કોલંબસ નામનો સિંહ માધવપુર પંથકમાં જોવા મળ્યો હતો અને 18 જાન્યુઆરી 2023 ના રોજ તે રાણાવાવના બરડા વિસ્તારમાં નવા સ્વાદની શોધમાં પોરબંદર નજીકના વિસ્તારમાં આવી ચડ્યો હતો. જે હાલ સાત વિરડા નેસ ખાતે સુરક્ષિત છે, ફોરેસ્ટ વિભાગ દ્વારા તેનું નામ સમ્રાટ રાખવામાં આવ્યું છે, જ્યારે બે સિંહણ પણ તેમની સાથે હોવાનું પણ જાણવા મળ્યું છે.
સિંહણ અને સિંહબાળની ગતિવિધિ: મહત્વપૂર્ણ છે કે, બરડા ડુંગર સહિત ખાગેશ્રી વિસ્તારમાં અનેક પ્રાણીઓ વિચરતા થયાં છે, અને આ પંથકનું વાતાવરણ સિંહોને સુરક્ષિત અને અનુકૂળ લાગી રહ્યું છે. ત્યારે 31 ઓક્ટોબર 2023 અને 01 નવેમ્બર 2023 ના રોજ કુતિયાણા પંથકમાં સિંહણ અને તેના સિંહ બાળની ગતિવિધીના કારણે લોકોમાં પણ ઉત્સુક્તા જાગી છે.