- પોરબંદરના એક શિક્ષકે જાદુઈ ચોરસ બનાવ્યું
- જાદુઇ ચોરસને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું
- પરિવાર સહિત મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા
પોરબંદર : ગણિત એક એવો વિષય છે કે જેનું નામ સાંભળીને જ બાળકોને કંટાળો આવે છે અને ગણિતના કોયડાઓ ઉકેલવાથી બાળકો દૂર ભાગે છે. પરંતુ રમત-રમતમાં જો ગણિત શીખવવામાં આવે તો બાળકોને પણ અઘરું ગણિત સરળ લાગે તે હેતુસર પોરબંદરના એક શિક્ષકે જાદુઈ ચોરસ બનાવ્યું છે. જેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
151 બાય 151ના ચોરસમાં સરવાળો એક જ
ભારતીય સંસ્કૃતિમાં આઈન સ્ટાઇન, રામાનુજ, વરાહમિહિર આર્યભટ્ટ સહિતના અનેક વિદ્વાનોએ અનેક અભ્યાસ કરી વૈદિક ગણિતની પદ્ધતિના ઉપયોગથી ગણિત વિષય સરળ બનાવ્યો છે. ત્યારે પોરબંદરની આર્ય કન્યા ગુરુકુળ અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં જયેશભાઈ રંગવાણીએ ગણિતમાં ઊંડો અભ્યાસ કરી જાદુઈ ચોરસ બનાવ્યો છે. જેમાં 151 બાય 151ના જાદુઈ ચોરસમાં એકથી 22801 ટોટલ નંબર છે અને કુલ 304 લાઈન છે. 151 ઉભી તથા 151 આડી અને અન્ય બે લાઈન છે. જેમાં કોઈપણ રીતે તમામ લાઈનનો સરવાળો કરતા જવાબ એક જ થાય છે.
જાદુઇ ચોરસને મળ્યું બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
આ ચોરસ બનાવવામાં જયેશભાઇને 15 દિવસો લાગ્યા હતા. તેમજ એક દિવસમાં બેથી ત્રણ કલાકની મહેનત જાદુઈ ચોરસ બનાવવા માટે કરતા હતા. ત્યારે તેમની આ મહેનતમાં અનેક મુશ્કેલી પણ પડી છે. સતત લખવાના કારણે તેમના હાથમાં દુખાવો થતો હતો. પરંતુ મહેનતનું ફળ તેમને મળ્યું અને 2019માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તથા માર્ચ 2020માં સ્ટાર બુક ઓફ રેકોર્ડમાં જાદુઈ ચોરસને સ્થાન મળ્યું છે.
ભવિષ્યમાં વર્લ્ડ રેકોર્ડ તોડવાની મહેચ્છા
જયેશભાઈ રંગવાણીના ગણિતશાસ્ત્રમાં જાદુઈ ચોરસને અનોખી સિદ્ધિ મળતા તેમના પરિવાર સહિત મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. જયેશભાઈ રંગવાણીની મહેચ્છા વર્લ્ડ રેકોર્ડ તોડવાની છે. જે પૂરી થાય તેવી શુભેચ્છાઓ સ્નેહીજનોને પાઠવી હતી.