- 21 કર્મચારીની ભરતીમાં 1,05,57,502 રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ
- 321 કર્મચારીની ભરતીમાં 1,34,41,141 રૂપિયાનું કૌભાંડ
- 200 જેટલા રોજમદાર કર્મચારીઓ ઘરે બેઠા પગાર મેળવે છે
પોરબંદર : નગરપાલિકા દ્વારા 2014થી 2020 સુધીના રોજમદાર કર્મચારીઓની ભરતીની તપાસ કરવામાં આવે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ નેતા રામદેવ મોઢવાડિયાએ સોમવારે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, અંદાજે 8થી 10 કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે ચૂકવવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડની તપાસ કરવાની માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
- રોજમદાર કર્મચારીની ભરતીમાં કૌભાંડ
પોરબંદરના રામદે મોઢવાડીયાએ સોમવારે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી પોરબંદર નગરપાલિકામાં 2014થી 2020 સુધીના રોજમદાર કર્મચારીની ભરતીની તપાસ કરવામાં આવે તેવી માગ કરી હતી. જેમાં તત્કાલીન પોરબંદર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળી 21 જેટલા લાગતા-વળગતા લોકોની ભરતી 2015-16માં કરી નગરપાલિકાને એક કરોડ પાંચ લાખ સતાવન હજાર પાંચસો બે (1,05,57,502) રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ ઓડિટ રિપોર્ટના આધારે કર્યો છે.
- 121 વધુ કર્મચારીની ભરતી કરીને ગેરકાયદેસર રીતે ચૂકવણું કરવામાં આવ્યું
વિદ્યા સહાયક નિરીક્ષકની કચેરીના અહેવાલ 2015-16 મુજબ ફકરા નંબર 40માં પોરબંદર પાલિકા દ્વારા વાઉચરના વાર્ષિક હિસાબોની ચકાસણી કરતા સામેલ પત્રક મુજબ મંજૂર થયેલા મહેકમથી 121 વધુ કર્મચારીની ભરતી કરીને ગેરકાયદેસર રીતે ચૂકવણું કરવામાં આવ્યું છે. જો કે, કર્મચારીઓની ભરતી કરતા પહેલા નગરપાલિકા નિયામક ગાંધીનગર અને પ્રાદેશિક નિયામક રાજકોટની મંજૂરી લેવી ફરજિયાત છે. તેમ છતા આ કેસમાં મંજૂરી લેવામાં આવી નથી. ગુજરાત સરકારના ઓડિટ વિભાગ દ્વારા લેવાયેલ નોંધનો જવાબ પોરબંદર નગરપાલિકાએ આપ્યો નથી.
- વર્ષ 2017-18માં પણ કૌભાંડ
આ ઉપરાંત 2015-16 અને બાદમાં 2017-18માં પણ ઓડિટ અહેવાલના ફકરા નંબર 40 મુજબ મહેકમ કરતા વધારે 321 કર્મચારીની ભરતી કરીને પોરબંદર નગરપાલિકામાં 1,34,41,141 રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ રામદેવ મોઢવાડીયા દ્વારા કરવામાં આવ્યો હતો.
- કર્મચારીઓને ઘરે બેઠા ચૂકવવામાં આવે છે પગાર
આ ઉપરાંત પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા ચીફ ઓફિસરની નજર હેઠળ આઉટસોર્સિંગ કર્મચારીઓ નગરપાલિકાના ભૂતપૂર્વ પદાધિકારીઓના ઘરે ડ્રાઈવર તરીકે કામ કરે છે અને તેમના પગાર ફાયર બ્રિગેડમાંથી ચૂકવવામાં આવે છે, તેવો આક્ષેપ પણ કર્યો છે. આ સાથે આઉટસોર્સિંગ મારફતે રાખવામાં આવેલા સફાઈ કર્મચારીઓ અત્યારે સાંઢિયા ગટર સાફ કરવાના કામના કોન્ટ્રાક્ટર સાથે સાંઢિયા ગટર સાફ કરવાનું કામ કરે છે, પરંતુ તેનો પગાર પોરબંદર છાયા નગરપાલિકા ચૂકવે છે અને અંદાજે 200 જેટલા રોજમદાર કર્મચારીઓ ઘરે બેઠા પોરબંદર છાયા સંસ્થા નગરપાલિકા પાસેથી પગાર મેળવે છે અને અત્યારે દર મહિને નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો પગાર ગેરકાયદેસર ચૂકવવામાં આવે છે. તેવો આક્ષેપ કોંગ્રેસ નેતા રામદેવ મોઢવાડિયાએ કર્યો હતો. આ બાબતે તત્કાલીન પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
- ચીફ ઓફિસર કરશે આ કૌભાંડની તપાસ
આ કૌભાંડ બાબતે પોરબંદર છાંયા સયુંકત નગરપાલિકાના ચીફ ઓફિસર હેમંત પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર બાબતે તપાસ કરવામાં આવશે. જો ગેરરીતિ જણાશે તો તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.