- સરકારી હોસ્પિટલમાંથી ફરાર થયેલો કેદી વલસાડથી ઝડપાયો
- 02 ઓક્ટોબરના રોજ ફરાર થયો હતો કેદી
- આ કેદીનો કોવિડ ટેસ્ટ કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયો
પોરબંદર : પોલીસ મહાનિર્દેશક કચેરી અને CID ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગર કચેરી તરફથી રાજ્યના પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તથા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને અસરકારક કામગીરી કરવા જૂનાગઢ રેન્જના પોલીસ નિરીક્ષકના માર્ગદર્શન મુજબ પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક જે. સી. કોઠીયા દ્વારા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સૂચના આપવામાં આવી હતી.
ફરાર થયેલા કેદીને વલસાડ જિલ્લાના વીરવાડ ગામેથી ઝડપી લીધો
આ અનુસંધાને કામગીરી કરતા સમયે પોરબંદર પોલીસ પેરોલ ફર્લો ટીમ અને SOGએ તારીખ 02 ઓક્ટોબરના રોજ પોરબંદરની ભાવસિંહજી સરકારી હસ્પિટલમાંથી ફરાર થયેલા કેદીને વલસાડ જિલ્લાના વીરવાડ ગામેથી ઝડપી લીધો હતો.
હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો કેદી
ગત તારીખ 2 ઓક્ટોબરના રોજ પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલના કેદી વોર્ડમાંથી વડાળા ગામનો રાજશી સૂકા મોઢવાડિયા નામના કેદીને દાખલ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન આ કેદી પોલીસને ચકમો આપી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો, જે અંગે પોલીસે તપાસ કરતા આ કેદી વલસાડ જિલ્લાના વીરવડ ગામે મંદિર ફળિયામાં રહેતો હોવાની બાતમી મળી હતી. પોરબંદરની SOG અને પેરોલ ફર્લો ટીમે તારીખ 30 ઓક્ટોબરના રોજ વલસાડના વિરવડ ખાતેથી તેને ઝડપી પોરબંદર લાવ્યા હતા અને કોવિડ ટેસ્ટ કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યો હતો.
એક કેદીને પકડવા 7 પોલીસકર્મીઓએ 28 દિવસ લીધા...
આ કામગીરીમાં PSI એચ. સી. ગોહિલ, SI એ. જે. સવનિયા તથા હેડ કોન્સ્ટેબલ પિયુષ બોદર, તથા કોન્સ્ટેબલ પ્રકાશ ભાઈ નકુમ, દેવેન્દ્રસિંહ ગોહીલ, મોહિતભાઈ ગોરાણીયા, SOG તથા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્ર સિંહ જાડેજાએ મળીને આ ઓપરેશનને સફળ બનાવ્યું હતું.