પોરબંદર: જિલ્લાના પશુપાલકોને પશુ સારવાર ગામબેઠા મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા GVK-EMRI મારફતે પીપીપી મોડલથી શરૂ કરાયેલા મોબાઈલ પશુ દવાખાનાની વાનને પોરબંદર જિલ્લા કલેક્ટર ડી.એન.મોદી અને જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
પ્રથમ તબક્કામાં શરૂ કરાયેલી આ યોજનાનો લાભ પોરબંદર તથા કુતિયાણા તાલુકાના 20 ગામોના 27 હજાર જેટલા પશુઓને મળશે.
પશુપાલકો 1962 નં. પર ફોન કરી તેમના પશુધન માટે આરોગ્ય વિષયક સેવા વિનામૂલ્યે મેળવી શકશે. આ મોબાઇલવાનનું પોરબંદરના પાલખડા તથા કુતિયાણાના ચૌટા ખાતે મુખ્ય મથક રહેશે તેમ પશુપાલન અધિકારી ડૉ. રાવલે જણાવ્યું હતું.
ફક્ત એક કોલ દ્વારા ઘર આંગણે વિનામૂલ્યે બિમાર પશુઓની સારવાર કરવામાં આવશે. રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયને પોરબંદર જિલ્લાના પશુપાલકોએ આવકાર્યો છે. આ પ્રસંગે જિલ્લા પશુપાલન અધિકારી ડો.કે.બી.રાવલ તથા પશુ ડૉક્ટરો અને પાઇલોટ પણ ઉપસ્થિત રહ્યા હતા.