પોરબંદરઃ કોરોના મહામારી દરમિયાન સરકારે લોકડાઉન જાહેર કર્યુ હતુ. આ લોકડાઉનના સમયમાં ઘણા લોકોએ સેવાકીય પ્રવૃતિઓ કરી છે. તો કોઈ લોકોએ નવી નવી કામગીરી શીખવામાં હાથ અજમાવ્યો છે. ત્યારે શહેરના એક વિધાર્થીએ 2જી ઓકટોબરે ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે બ્લેક બોર્ડ પર વપરાતા ચોકથી ગાંધીજીના કોર ચશ્મા, લાકડી, ઘડિયાળ, ચપ્પલ, ચરખો તથા ટ્રેન બનાવીને લોકડાઉનનો સદ ઉપયોગ કર્યો છે. શહેરની જી.એમ.સી સ્કૂલમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા જીશાન ખાન જાહિદખાન પઠાણે કોરોના મહામારી વચ્ચે ઘરે રહીને પોતાનામાં રહેલા હુનરને બહાર લાવ્યો છે.
બ્લેક બોર્ડમાં લખવા માટે વપરાતા ચોકનાં ઉપયોગથી અલગ અલગ વસ્તુઓ બનાવીને મહાત્મા ગાંધીજીને યાદ કર્યા છે. બાળકોમાં કલા છુપાયેલી હોય છે પરંતુ તેને બહાર લાવવાની જરૂર હોય છે. માત્ર પ્રોત્સાહનથી પોરબંદરના એક બાળકે કંઈક અલગ વિચાર્યું અને બ્લેક બોર્ડમાં વપરાતા સામાન્ય એવા ચોક દ્વારા કલાકારી કરી ચોકને અલગ આકારો આપ્યા છે. તેમજ ધીમે ધીમે અલગ વસ્તુઓ બનવા લાગી ત્યારે આ બાળકને ગાંધીજીના વિચારો યાદ આવ્યા અને અનેક પ્રયાસો બાદ આબેહૂબ ગાંધીજીના ચશ્મા, લાકડી, ઘડિયાળ અને ચપ્પલ સહિત ચરખો પણ બનાવ્યો છે. આ 14 વર્ષીય બાળકની કલાકારીને લોકોએ સરાહનીય ગણાવી હતી.