પોરબંદરઃ ચોમાસાના આ સમયમાં વધુ વરસાદના કારણે કુતિયાણાના ઘેડ પંથકમાં ભારે તારાજી સર્જાઇ હતી. ત્યારે અમુક વિસ્તારોમાં પાણી ઓસરી જતા ખેડૂતોની રાહત થઇ છે, પરંતુ બળેજથી ઓજત નદી તરફ જતા 6 KMના રસ્તામાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખેતરમાં હજૂ સુધી પાણી ભરાયેલા છે. જેથી આસપાસના 5 ગામના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવા ખેડૂતો સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે.
કુતિયાણા નજીકના બરેજ, મંડેર સરમા, ચીંન્ગરીયા અને કડછ ગામના ખેતરમાં પાણી ભરાઈ રહેવાને કારણે ખેડૂતો મુશકેલીમાં મુકાયા છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ થવાને કારણે દર વર્ષે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે, પરંતુ બરેજથી ઓઝત નદી સુધીના રસ્તામાં સરકાર દ્વારા પાણીનો ન નિકાલ માટેનો કોઈ વિકલ્પ તરીકે નાળુ બનાવવામાં ન આવતા આસપાસના 5 ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
વરસાદીના પાણીનો નિકાલ ન થતા પાણી ખેતરોમાં ભરાયેલા રહે છે. જે કારણે હાલ પાણીમાં ડૂબેલા ખેતરમાં વાવેતર કેમ કરવું તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ બાબતે તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે, પરતું કોઈ નિરાકરણ હજૂ સુધી આવ્યું નથી. આથી આગામી 2 ઓક્ટોબરના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોરબંદરમાં આવેલા કીર્તિ મંદિરની મુલાકાત લેવા આવતા હોય તે સમયે આ વિસ્તારમાં પણ મુલાકાત લે અને વાસ્તવિકતા અંગે જાણે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.