- પોરબંદરમાં ખેતરમાં ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર મદદ કરશે
- પોરબંદર જિલ્લામાં 300 ગોડાઉનની કામગીરી શરૂ કરી દેવાઈ
- ખેડૂતો પોતાના ખેતરમાં જ ગોડાઉન બનાવી શકે છે
પોરબંદરઃ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સાત પગલા ખેડૂત કલ્યાણના યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં આ યોજનામાં મુખ્યમંત્રી પાક યોજના એટલે કે ખેડૂતો પોતાના ખેતરમાં ગોડાઉન બનાવી શકે તેવી યોજના છે, જે ખેડૂતો માટે ખૂબ જ લાભકારી છે. ખેડૂતો પોતાના ખેતરમાં જ ગોડાઉન બનાવી શકે છે, જેમાં રાજ્ય સરકાર મદદ કરશે. ગોડાઉન બનાવવા માટે રૂ. 1 લાખની કિંમત પર 30 ટકા સબસિડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત ખેડૂતોએ ખેતરમાં 330 ચોરસ ફૂટનું ગોડાઉન, બે ફૂટનો પાયો તથા ગોડાઉનની મધ્યની મોભ 12 ફૂટની હોવી જોઈએ. આમાં ઓછામાં ઓછી એક બારી અને એક દરવાજો હોવો જોઈએ તથા આ ગોડાઉનમાં ગેલ્વેનાઈઝ પતરા સ્લેપ ભરી શકાય છે. એક લાખની કિંમત પર 30 ટકા સબસિડી મળવાપાત્ર છે. એમ પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.
પોરબંદર જિલ્લાના 300 જેટલા ખેતરમાં ગોડાઉન બનાવવાનું કામ શરૂ કર્યું
પોરબંદરના જિલ્લા ખેતીવાડી અધિકારી જે. એન. પરમારના જણાવ્યાનુસાર, પોરબંદર જિલ્લામાં 4233 અરજી આવી હતી, પરંતુ ખેડૂતોના સમયમર્યાદા પૂર્ણ થતા અમુક અરજીઓ રદ કરાઈ હતી. આમાંથી 300 જેટલા ગોડાઉન બનાવવાનું કામ શરૂ છે. ચોમાસાના કારણે અમુક ખેડૂતોને મુશ્કેલી હોવાથી હજુ સુધી ગોડાઉન બની શક્યા નથી. એક ખેડૂતને 30 હજાર સુધીની સબસિડી મળવાપાત્ર છે. યોજના ચાલુ રહે તેમ નવા વર્ષમાં આઈ ખેડૂત પર કોઈ પણ ખેડૂત અરજી કરી શકે છે.