પોરબંદરઃ હાલ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ અને ખાનગી શાળાઓના મનફાવે તેવા ફી ઉઘરાણીના નિર્ણયોમાં કંટાળી અંતે ખાનગી શાળાઓ છોડી અનેક વાલીઓ પોતાના બાળકને સરકારી શાળામાં મુકવાનો દોર શરૂ થઇ ગયો છે. પોરબંદર જિલ્લાની રાણાવાવમાં ભોરાસર સરકારી શાળામાં 25 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
પોરબંદર જીલ્લાના રાણાવાવ પાસે આવેલા ખોરાસા ગામની સીમ શાળામાં ગુણવત્તા સભર શિક્ષણ વિદ્યાર્થીને પૂરું પાડવામાં આવી રહ્યું છે. હાલ કોરોનાવાઈરસની મહામારીના પગલે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. આ શાળાના પ્રિન્સિપાલ લાખાભાઈ ચુંડાવદરા તેમજ તેના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે રમતગમત સહિત પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે તે માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે, શાળાનું ગ્રાઉન્ડ ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવું છે.
આ સરકારી શાળામાં અનેકવિધ વૃક્ષો છોડ અને આયુર્વેદિક રોપા ઉછેર કરવામાં આવ્યા છે અને કુદરતી વાતાવરણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં આવી તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. ખાનગી શાળા છોડીને આ સરકારી શાળામાં 25 જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન નોંધાવ્યું છે.