પોરબંદર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણી રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેર, પોરબંદર સિંચાઇ પ્રોજેકટ ડિવિઝન, પોરબંદર સિંચાઇ અને રાજકોટ સિંચાઇ ડિવિઝનના કાર્યપાલક ઇજનેરનો ચાર્જ 2013થી 2017 દરમિયાન આપ્યો હતો. આમ એક જ કાર્યપાલક ઇજનેરને 3થી 4 ડિવિઝનનો ચાર્જ બાબુભાઇ બોખીરીયા દ્વારા આપવામાં આવ્યો હતો. રામદેવ મોઢવાડિયાએ સિંચાઈ વિભાગ દ્વારા થયેલા ભ્રષ્ટાચારમાં કેનાલ સાફ કરવાના નામે સિંચાઈ વિભાગની મશીનરીનો થઇ રહેલા દુરૂપયોગ અંગે પણ રજૂઆતો કરી હતી.
રામદેવ મોઢવાડિયાના આક્ષેપોને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે હાજર પૂરાવા રાજ્યસરકાર સમક્ષ રજૂ કર્યા હતા. જેથી સરકારે ભ્રષ્ટાયારને ધ્યાનમાં રાખી તપાસના આદેશ આપ્યા હતા. જેની તપાસ બનાસકાંઠા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ગુપ્તાને આપવામાં આવી હતી. જે તપાસમાં ગુપ્તા સામે ઢગલાબંધ ક્ષતિઓ અને ભ્રષ્ટાચાર આવ્યો હતો. જેથી રામદેવ મોઢવાડિયાએ રાજ્ય સરકારના કાર્યપાલક ઇજનેર ઝાલા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
સમગ્ર કૌભાંડ બહાર આવવાથી ક્ષાર અંકુશ વિભાગના પોરબંદરના 11 અધિકારીઓને રાજ્ય સરકારે ચાર્જશીટ આપતા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી છે. આ અધિકારીઓમાં તુલસીદાસ ઝાલા, નિવૃત કાર્યપાલક ઇજનેર, પીએસ મશરૂ ઇન્ચાર્જ, નાયબ કાર્યપાલક ઇજનેર, ઘેર બાંધકામ પેટાવિભાગ, મકસુદ ભેડા નિવૃત્ત ઇન્ચાર્જ, બાંધકામ પેટાવિભાગ વગેરેનો સમાવેશ થાય છે. જેમને 15 દિવસમાં સ્પષ્ટતા કરવી પડશે.